જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ ક્ક્ષાએ, ગાંધીનગર સુધી જવું ના પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવનાર છે. નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે કલેકટરશ્રી, જામનગરના અધ્યક્ષસ્થાને નવેમ્બર માસના ચોથા ગુરુવાર ૨૫/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં રજૂ કરવાના જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો તા. ૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં કલેકટર કચેરી, જામનગર ખાતે રજૂ કરવાના રહેશે. લોકોએ પોતાના પડતર પ્રશ્નો મોકલવા માટે ખાસ ખ્યાલ રાખવો કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા. અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું, બે નકલમાં આ બાબત રજૂ કરવી. પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, પ્રશ્ન કર્તા કે અરજદારની સહીનો ખાસ ઉલ્લેખ કરવો. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.
તા. ૧૦/૧૧/૨૦૨૧ બાદની અરજી કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી/ વિભાગના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ-સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી કોર્ટમેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહીં જેની અરજદારોએ ખાસ નોંધ લેવા વિનંતી છે. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટરશ્રી, જામનગર લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળશે તેમ જનસંપર્ક અધિકારી, કલેકટર કચેરી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
