નવી દિલ્હી
ગાઝીપુર અને ટિકરી બોર્ડર પરથી બેરિકેડ્સ, તાર અને લોખંડના ખીલ્લાને હટાવી લીધા હતા. જાેકે ખેડૂતોના જે તંબુ છે તેને ત્યાં જ રહેવા દીધા હતા. બીજી તરફ ખેડૂત સંગઠનોએ હવે કહ્યું છે કે જે રીતે પોલીસે અમારા અવરોધમાં બેરિકેડ્સ લગાવ્યા હતા તેને હટાવી લીધા છે તેવી જ રીતે સરકારે હવે અમારી સાથે વાતચીત શરૂ કરી દેવી જાેઇએ. એવામાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમને એવી જાણકારી મળી છે કે ગમે ત્યારે સરકાર જેસીબીની મદદથી ખેડૂતોના તંબુઓને દિલ્હી સરહદોએથી તોડી પાડશે, જાે સરકાર ખરેખર આવું કરશે તો અમે પોલીસ સ્ટેશનો કે ડીએમ કચેરીએ તંબુઓ નાખી દઇશું.કેંદ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓને લઇને ખેડૂતો ૧૧ મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જાે ખેડૂતોને સરહદેથી બળજબરીથી હટાવવાનો પ્રયાસ કર્યો તો દેશભરમાં સરકારી કચેરીઓને ગલ્લા મંડી બનાવી દઇશું અને ત્યાં જ પાકને લાવીને રાખી દઇશું. ટિકૈતે કહ્યું કે અમને જાણકારી મળી છે કે પ્રશાસન જેસીબીની મદદથી ખેડૂતો બેઠા છે તે તંબુઓને હટાવવાનો પ્રયાસ કરી શકે છે. જાે પ્રશાસન આવું કરશે તો ખેડૂતો પોલીસ સ્ટેશનો, ડીએમ કાર્યાલયોમાં જઇને ત્યાં પોતાના તંબુ લગાવી દેશે અને ધરણા પર બેસી જશે. ટિકૈતે કહ્યું કે હાલમાં જ લલિતપુરમાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી. ખેડૂતોને સરકાર જ આત્મહત્યાના આંધળા કુવામાં ધકેલી રહી છે. સરકાર હઠ છોડે નહીં તો સંઘર્ષ વધુ તેજ બનાવવામાં આવશે.


