મુંબઇ
ગયા મહિને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે કહ્યું હતું કે તેઓ આઇપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવા કેન્દ્રીય પોલીસ રૂલબુકના નિયમોની વિગત ચકાસી રહ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ કરનાર પરમબીર સિંહ ‘ગુમ’ થઇ જતા એવું ચર્ચાય છે કે તેઓ દેશ છોડી ભાગી ગયા છે. તાજેતરમાં રાજ્ય સરકારે પરમબીર સિંહનો પગાર પણ રોકી દેવાનો ર્નિણય લીધો હતો.મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ બેલ્જીયમ ભાગી છૂટયા હોવાનો દાવો કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કરી ખળભળાટ મચાવી દીધો છે. આ સાથે જ નિરૂપમે એવો પ્રશ્ન પણ કર્યો હતો કે તેમને ભગાડવામાં કોણે મદદ કરી? પરમબીર સિંહ છેલ્લા ઘણા મહિનાથી ગાયબ થઇ ગયા છે અને એજન્સીઓને તેમની કોઇ ભાળ મળી રહી નથી. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ પરમબીરને ઘણીવાર સમન્સ મોકલ્યા છે પણ તેઓ હાજર થવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં જ થાણેની એક અદાલતે પરમબીર સિંહ સામે બીન જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. આ બાબતે સંજય નિરૂપમે કરેલા એક ટિ્વટમાં લખ્યું છે કે ‘આ છે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર તેમણે એક મંત્રી પર હપ્તા-વસૂલી બાબતનો આરોપ કર્યો હતો. પોતે પાંચ જેટલા વિવિધ પ્રકરણમાં વોન્ટેડ છે. પોલીસેે કહ્યું છે કે તેઓ ફરાર છે. એવું જાણવા મળ્યું છે કે તે બેલ્જિયમમાં છે. તેઓ બેલ્જીયમ ગયા કઇ રીતે ? કોણે તેમને સેફ પેસેજ કરી આપ્યો ? શું આપણે અંડરકવર મોકલી તેમને પાછા લાવી શકતા નથી ? પરમબીર સિંહ મે મહિનાથી આરોગ્યનું કારણ આપી રજા પર ઉતરી ગયા છે. પરમબીર સિંહના ચંદીગઢના નિવાસસ્થાન પર ઘણા પત્રો મોકલવામાં આવ્યા છે. તેમના વિવિધ ઠેકાણા બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમ છતાં કોઇ જવાબ મળ્યો નથી કે તેમની કોઇ ભાળ પણ મળી રહી નથી.
