*જામનગર જિલ્લામાં આગામી તા.09 સપ્ટેમ્બરના રોજ ‘નેશનલ લોક અદાલત’ નું આયોજન કરવામાં આવશે*
*જામનગર તા.28 ઓગસ્ટ,* ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા જણાવવામાં આવે છે કે, આગામી તા.09 સપ્ટેમ્બરના રોજ, જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ‘નેશનલ લોક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદન કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ કે જે ડીસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ તેમજ અન્ય સિવિલ કેસમાં ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું આયોજન આગામી તા.09 સપ્ટેમ્બરના રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવ્યું છે.
તેથી, જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ તેઓના અત્રે જણાવેલ પેન્ડીંગ કેસામાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વિ. વકીલશ્રી મારફતે જે- તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવાનો રહેશે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે, અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.
આ ઉપરાંત, લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની થતી નથી, અને તેમના કિંમતી સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરના સંપર્ક નં. 0288-2550106 પર સંપર્ક સાધી શકાશે. તેમજ, દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં જે-તે કેસ પેન્ડીંગ હોય, તો જે-તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા માટે સચિવશ્રી, સિનિયર સિવિલ જજશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

