સામાન્ય ચોમાસું શરૂ થયા પછી બે વરસાદ વચ્ચેનો સમયગાળો લંબાય તો જમીનમાં ભેજની અછત વર્તાય છે. જો આ સમયગાળો વધુ લાંબો રહેતો પાક આંશિક રીતે અથવા સંપૂર્ણ નાશ પામે છે.
બાષ્પીભવનને કારણે પાણીના નુકસાનને અટકાવવા સમયસર આંતર ખેડ અને નીંદામણ કરવું. પાકને નીંદણમુક્ત રાખવો અને આચ્છાદન (મલ્ચીંગ) કરવું; ભેજની અછત જણાય ત્યારે પાકની પારવણી કરવી. ભેજની વધારે અછત વર્તાય ત્યારે એકાંતરે હાર કાઢી નાંખવી; પાણીની ઉપલબ્ધિ અનુસાર પિયત આપવું; વરસાદ ખેંચાયા પછી પૂરતો વરસાદ મળે ત્યારે મગફળી સિવાયના પાકોમાં નાઇટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું; ખેડૂતોએ તલ જાત પૂર્વા ૧/ ગુજરાત તલ ૧/ દિવેલા જાત જી.એ.યુ.સી.એચ. ૧ અને જી.એ.સી. ૧૧ની વાવણી કરવી. તદઉપરાંત ખેડૂતો ઘાસચારાની જુવાર અથવા રજકા બાજરીનું વાવેતર પણ કરી શકે છે; જેમ જેમ છોડ પરિપક્વ થતાં જાય તેમ તેમ કાપણી કરવી જેથી ભેજનો સંગ્રહ થઇ શકે; વરસાદ આધારિત પાકને કટોકટી અવસ્થાએ જીવનરક્ષક પિયત આપવાનું જણાવવામાં આવે છે.
વધારે પાણી એટલે વધારે ઉત્પાદન તેવી માનસીકતા દૂર કરવી જોઇએ કારણ કે પાકને પાણીની નહિ પણ ભેજની જરૂર છે. આપેલું પાણી મૂળ વિસ્તારમાં જ સંગ્રહ થાય અને તોજ તે પાણી પાક વાપરી શકે નહીતો વધારાનું પાણી નીતરીને મૂળથી નીચે જતું રહે અથવા તો ખેતરમાંથી જમીનના નીચેના સ્તરોમાં જતું રહે છે. જેમ ખેડૂતો બીજ, ખાતર અને દવાનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે તેજ રીતે પાણીનો પણ કરકસરપૂર્વકનો ઉપયોગ કરવો જોઇએ. જે માટે નીચે મુજબની મહત્વની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો પાણીનો બગાડ અટકાવી શકાય. પાણીના કરકસરભર્યા ઉપયોગ માટે જણાવવામાં આવે છે
પાકને પાણી નહીં પરંતુ પુરતા ભેજની જરૂર છે તેને ધ્યને રાખીને જ પિયત કરવું; જે પાકોમાં નિંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં સમયસર નિંદામણ કરી,નિંદામણ મુક્ત રાખવા વિનંતી છે.જેથી નિંદામણ દ્વારા ભેજ ને દુર થતો અટકાવી શકાય; પિયત પાણીની ઉપલબ્ધતા મુજબ જીવનરક્ષક પિયત પાકને વૈકલ્પિક ચાસમાં આપવું જોઈએ.; એક સરખા પિયત માટે જમીન સમતલ કરી, યોગ્ય ઢાળ આપવો; જીવાતો અને રોગગ્રસ્ત છોડને દૂર કરવા જોઈએ; પુરતા પ્રમાણમાં સેન્દ્રિય ખાતરો આપો તથા જમીન ક્ષારીય જણાય તો જમીન સુધારકોનો ઉપયોગ કરો; મલ્ચિંગનો ઉપયોગ કરવો જોઈએ (ઓર્ગેનિક અથવા પ્લાસ્ટિક); તેમજ હાલની પરિસ્થિતિએ રસાયણિક ખાતર ન આપવા તથા શક્ય હોય અને જરૂરી હોય તો નેનો યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા સ્પ્રે કરી આપવા ભલામણ કરવામાં આવે છે; આ તબક્કે ખાસ કરીને કઠોળ પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આથી પાક ઉત્પાદન પર અસર ન થાય તે માટે સાંજના સમયે લીંબોળીના તેલનો સ્પ્રે કરી જીવાતનું નિયંત્રણ કરવા ખાસ આગ્રહ છે; કરકસરયુકત કાર્યક્ષમ પિયત ૫ધ્ધતિ જેવી કે, એકાંતરે ચાસે પિયત આ૫વું આનાથી લગભગ ૩૫ ટકા પિયત પાણી બચાવી શકાય અથવા તો છોડની હાર નજીક પિયત આ૫વું; ખેતરમાં વધારાના પાણીના ત્વરીત નિકાલ માટે પુરતા નિતારની વ્યવસ્થા કરવી; યોગ્ય પિયત પધ્ધતિ જેવી કે બોર્ડર, રીંગ બેઝિન, ચેક બેઝિન, નિકપાળા જેવી અનુકુળ પધ્ધતિ અપનાવી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો; વરસાદના પાણીના જમીનમાં સંગ્રહ માટે પગલાં લેવા. જમીનની ભેજસંગ્રહશક્તિ વધારવી.
આમ, વરસાદ ખેંચાવાના કારણસર ખેતી પાકોને બચાવી, ઉત્પાદન પર કોઇ માઠી અસર ન પહોંચે તે માટે ઉપરોકત જણાવ્યા મુજબ જરૂરી પગલાં લેવા તમામ ખેડુત મિત્રોને ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
