Gujarat

જામનગરમાં કાલાવડ નાકાનો જૂનો પુલ બંધ

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર આવેલો વર્ષો જૂનો પુલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, જૂના પુલનું ડિમોલેશન કાર્ય શરૂ થઈ ગયું છે. પુલની નબળી હાલત જોતાં તે વાહન વ્યવહાર માટે જોખમકારક બન્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેના નિર્માણ માટે કુલ 5 પિયર/અબટમેન્ટ ઊભા કરાશે. આ પ્રોજેક્ટમાં આધુનિક ‘પ્રિકાસ્ટ ગર્ડર લોન્ચિંગ ટેક્નોલોજી’ સાથે પાઈલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ થશે, જે પુલને વધુ મજબૂત અને ટકાઉ બનાવશે.

પુલ બંધ થવાથી વાહન વ્યવહાર પર અસર ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડાયવર્ઝન યોજના અમલમાં મૂકવામાં આવી છે. વાહનો માટે વૈકલ્પિક માર્ગ (હંગામી રસ્તો) તૈયાર કરાયો છે અને ટ્રાફિકને તે માર્ગ પર વાળવામાં આવી રહ્યો છે.