Gujarat

મગફળીના પાકમાં સફેદ ધૈણના નિયંત્રણ માટે જરૂરી ઉપાયો

મગફળીના પાકમાં સફેદ ધૈણના નિયંત્રણ માટે જરૂરી ઉપાયો જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા સૂચવવામાં આવ્યા છે.

       જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્‍યારે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. રપ થી ૩૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

       ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. અથવા કવીનાલફોસ રપ ઈ.સી.  હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્‍યારે આ જીવાતના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્‍યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્‍તારમાં છોડના થડ પાસે પુખવી. ત્‍યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ.

મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ x ૫ સેં.મી.ના વાદળી (સ્પોંજ)ના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સેં.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીંપે ટીંપે રેડવું. (એ.એ.યુ.)

     આ અંગે વધુ જાણકારી માટે સબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી,  મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતીનિયામક (.વિ), નાયબ ખેતી નિયામક(તાલીમ, અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *