Gujarat

વધારાનું એક કલાક શિક્ષણ આપવાથી 95% બાળકો લખતા અને વાંચતાં થયા : મહાવીરસિંહ

ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામાં આવે છે. મહાન કેળવણીકાર અને આપણા દેશના
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ.
રાધાકૃષ્ણનના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણ સંસ્થામાં થાય છે. દેશના બાળકો દેશનું ભવિષ્ય છે અને દેશના વિકાસના
આ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક જ કરે છે. શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડૉ. રાધાકૃષ્ણનના જીવનનું કેંદ્રબિંદુ રહ્યુ
છે. આ દિવસે દરેક શાળાઓમાં ‘સ્વયં શિક્ષકદિન’ ની ઊજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને
વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે.
દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે વ્યક્તિની માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો
શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક થકી જ પ્રાપ્ત કરે
છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.
જામનગર જિલ્લાના પણ ઘણા શિક્ષકોએ બાળકનો શિક્ષણનો પાયો મજબૂત બને અને શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે પરસેવો
રેલ્યો છે. તેવા જ એક શિક્ષક છે જાડેજા મહાવીરસિંહ. તેઓ જામનગર તાલુકાની બેરાજા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ
બજાવે છે.
વર્ષ 2008માં મહાવીરસિંહની બેરાજા પ્રાથમિક શાળામાં બદલી થઈ. ત્યારે તેઓને લાગ્યું કે શાળાના બાળકો વાંચન લેખનમાં
થોડા નબળા છે. માટે તેઓએ શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા દરરોજ એક કલાક શાળાએ વહેલા આવી જવાનો વિચાર
કર્યો અને વાંચન લેખન ન આવડતું હોય તેવા બાળકોને પણ શાળાના સમય કરતાં એક કલાક વહેલા બોલાવીને તેમના પ્રત્યે
વિશેષ ધ્યાન આપે છે. છેલ્લા 12 વર્ષથી તેઓ નિયમિતપણે આ કાર્ય કરી રહ્યા છે. પરિણામે ગામના શિક્ષણના સ્તરમાં ઘણો
સુધારો આવ્યો છે. અને 95% બાળકો લખતા અને વાંચતાં થયા છે તેમ તેઓ જણાવે છે.
પોતાની ફરજ પ્રત્યે મહાવીરસિંહ એટલા નિષ્ઠાવાન રહ્યા છે કે પિતાનું અવસાન થયું તો પણ તેઓએ શાળામાં રજા ન લીધી
પિતાના અવસાન બાદની જે ધાર્મિક વિધિ હોય તેમાં પણ ઉપસ્થિત ન રહી બાળકોને શિક્ષણ આપવું એ જ પોતાની પહેલી
પ્રાથમિકતા છે તેમ ઉચિત સમજ્યું. આજના યુગમાં પોતાના બાળક પ્રત્યે પણ વાલીઓને સમય ફાળવવો મુશ્કેલ બની જતો હોય
છે ત્યારે મહાવીરસિંહ જેવા સમયદાન કરનારા શિક્ષક સૌ કોઈ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. 12 કરતાં પણ વધુ વર્ષોથી તેઓ વિદ્યાર્થીઓ માટે સમયદાન કરી રહ્યા છે તેમના આ કાર્યની નોંધ લઈને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે પણ તેઓને સમ્માનિત
કર્યા છે.
શિક્ષકદિન નિમિતે સંદેશો આપતા તેઓ જણાવે છે કે તેમના મતે એ જ શાળા અને એ જ શિક્ષક શ્રેષ્ઠ છે કે બાળક શાળામાં
આવતું થાય ત્યારથી તેનું ઘડતર કરવાની સંપૂર્ણ જવાબદારી શિક્ષકની છે.

-શાળા-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *