આંગણવાડીમાં ભણતા બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે, તેમના પોષણનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ, જિલ્લામાં થતી કામગીરીમાં ગુણવત્તા જાળવવા વિશેષ કાળજી જરૂરી-કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા
કેન્દ્રીય મંત્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ-૨૦૨૩-૨૪ના માહે ઓગસ્ટ અંતિત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને કેન્દ્રીય મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.
કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ યોજનાઓની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભો તમામ જરૂરીયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કેન્દ્રિય મંત્રીએ અનુરોધ કર્યો હતો કે, “આંગણવાડીમાં ભણતા બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે, તેમના મધ્યાહન ભોજનમાં પોષણનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ.”
કેન્દ્રીય મંત્રીએ મનરેગા, દીન દયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, ખેતી, સિંચાઈ સહિત વિવિધ વિભાગની કેન્દ્રીય મંત્રીએ બારીકાઇથી સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાએ જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો વિશે વિસ્તૃત જાણકારીથી કેન્દ્રીય મંત્રીને વાકેફ કર્યા હતા.બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. બેઠકની શરૂઆતમાં કલેક્ટરએ મંત્રીનું પોટ્રેટ આપી સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડી.આર.ડી.એ. ડિરેક્ટર(ઇ.ચા.) મકવાણાએ કેન્દ્રીય મંત્રીને યોજનાકીય કામોની વિગતો પૂરી પાડી હતી.આ મીટિંગમાં કેન્દ્રીય મંત્રીના પી.એસ. ઓરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેકટર મુકેશભાઈ પરમાર, કેન્દ્રીય મંત્રીના પી.એ. બી.કે.દવે, જિલ્લા અગ્રણી મયૂરભાઈ પટેલ સહિત દિશા સમિતિના અન્ય સભ્યઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

