પાકિસ્તાનના ચૂંટણી પંચે મોટો ર્નિણય લીધો છે. ૮ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ મુલતવી રાખવાની સેનેટની દરખાસ્તને ચૂંટણી પંચે ફગાવી દીધી છે. આ પ્રસ્તાવ આ મહિનાની શરૂઆતમાં સેનેટ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું કે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને પૂર્વ નિર્ધારિત ચૂંટણીને સ્થગિત કરવી યોગ્ય નથી, તેથી હવે ચૂંટણી ૮ ફેબ્રુઆરીએ જ યોજાશે. ૫ જાન્યુઆરીએ સંસદના ઉપલા ગૃહ સેનેટે શિયાળાની ઋતુ અને સુરક્ષાની ચિંતાઓને ટાંકીને સામાન્ય ચૂંટણીમાં વિલંબની માંગ કરી હતી. ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
પરંતુ આ પ્રસ્તાવ પછી દેશમાં રાજકીય અનિશ્ચિતતા વધી ગઈ હતી. સંજાેગોને ધ્યાનમાં રાખીને પંચે પોતાનો ર્નિણય આપ્યો અને કહ્યું કે આ રીતે કોઈપણ પૂર્વ નિર્ધારિત ચૂંટણીને મોકૂફ રાખી શકાય નહીં. પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે પસાર કરાયેલા ઠરાવ પર વિચાર કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે તેમણે કાર્યકારી સંઘીય અને પ્રાંતીય સરકારને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે મતદાર-મૈત્રીપૂર્ણ વાતાવરણ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો છે. પંચે કહ્યું કે તેમણે સામાન્ય ચૂંટણીને યોગ્ય રીતે કરાવવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લીધી છે. આ સાથે કમિશને કહ્યું કે પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમની ચૂંટણી ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ થશે.
સામાન્ય ચૂંટણીઓ અને સ્થાનિક ચૂંટણી હંમેશા શિયાળામાં યોજાતી હોય છે. એમાં કંઈ નવું નથી. સ્વતંત્ર સેનેટર દિલાવર ખાને રજૂ કરેલા પ્રસ્તાવને સેનેટમાં ટેકો મળ્યો હતો, પરંતુ મુખ્ય રાજકીય પક્ષોએ તેને ‘ગેરબંધારણીય’ જાહેર કર્યો હતો. સેનેટના ૧૦૦ સભ્યોમાંથી માત્ર ૧૪ સાંસદોની હાજરીમાં તેને પસાર કરવામાં આવ્યો હતો. જાે કે, એમપી ખાને સોમવારે સેનેટના અધ્યક્ષ સાદિક સંજરાનીને એક પત્ર લખ્યો હતો કે તે ‘નિરાશાજનક’ છે કે તેમના દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવ સંસદના ઉપલા ગૃહમાં પસાર કરવામાં આવ્યો હોવા છતાં પંચ દ્વારા ચૂંટણી લંબાવવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.
પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ વખત સામાન્ય બેઠક પરથી લઘુમતી મહિલાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યાં એક તરફ ડૉ. સવિર પ્રકાશ ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ ચર્ચામાં છે, તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તેમની પાર્ટી પીટીઆઈ એટલે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથે પણ ચૂંટણી મેદાનમાં છે.

