Gujarat

જસદણ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું, રૂપાલાની ટિકિટ રદ નહીં થતા ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિક ઉપવાસ કરશે

જસદણ તાલુકાની આટકોટની નર્સિંગ કોલેજ, 72-જસદણ વિધાનસભાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા સેવા સદન પોલીસ સ્ટેશન અને વાંકાનેરની એચ.એન.દોશી કોલેજમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હત્તું. જેમાં કમળાપુર ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ, જસદણ તાલુકા સેવા સદનના કર્મીઓ અને પોલીસ સ્ટેશનના કર્મીઓએ મતદાન કરવા અને કરાવવા લોકોને અપીલ કરી હતી.

આટકોટની નર્સિગ કોલેજ ખાતે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીમાં વિદ્યાર્થીઓએ, તેઓના માતા-પિતા તેમજ કોલેજના સ્ટાફે અચૂક મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા અને વાંકાનેરની એચ.એન. દોશી કોલેજમાં સિગ્નેચર ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજની છાત્રાઓએ સાઈન બોર્ડ ઉપર હસ્તાક્ષર કરીને મતદાન માટે લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ક્ષત્રિય સમાજની બહેનો પ્રતીક ઉપવાસ કરશે

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ટિકિટ રદ નહીં થતા ક્ષત્રિય સમાજ દ્વારા હવે ઠેર-ઠેર પ્રતિક ઉપવાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આવતીકાલે રાજકોટનાં યુનિવર્સિટી રોડ પરના સદગુરુ નગર, રૂડા-2 ખાતેનાં મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મોટી સંખ્યામાં રાજકોટનાં ક્ષત્રિય સમાજની બહેનો જોડાય તેવી શક્યતા છે. આ માટે ક્ષત્રિય સમાજ દ્વારા વધુમાં વધુ બહેનોને પ્રતિક ઉપવાસમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે.

વોટર હેલ્પલાઇન ઉપર મળેલી 192 ફરિયાદ ઉકેલાઈ

રાજકોટ જિલ્લામાં 16મી માર્ચથી લઈને અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી 192 ફરિયાદનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. જેમાં એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર ઉપર 21, રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી 3, રાજકોટ દક્ષિણમાંથી 8, રાજકોટ ગ્રામ્યમાંથી 4, જસદણમાંથી 1 અન્ય 5 મળીને 21 ફરિયાદો મળી હતી.

જ્યારે જિલ્લા સંપર્ક કેન્દ્ર-1950 હેલ્પલાઈન નંબર પર રાજકોટ પૂર્વમાંથી 3, રાજકોટ ગ્રામ્યમાંથી 3, જેતપુરમાંથી 2 મળી 8 ફરિયાદ મળી હતી. તેમજ સી-વિજિલ પર સૌથી વધુ ફરિયાદો મળી છે. જેમાં રાજકોટ પૂર્વમાં 8, રાજકોટ પશ્ચિમમાં 71, રાજકોટ દક્ષિણમાં 10, રાજકોટ ગ્રામ્યમાંથી 51, જસદણમાંથી 1, ગોંડલમાંથી 15, જેતપુરમાંથી 5 તેમજ ધોરાજીમાં 2 મળી 192 ફરિયાદ મળી હતી. આ તમામ ફરિયાદોનું ચોક 8 સમયગાળામાં નિવારણ કરવામાં આવ્યું છે.