Gujarat

કવિ શૈલેષ લોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિતના કલાકારોએ મતદાનનું મહત્વ સમજાવ્યું

લોકશાહીના મહાપર્વને ઉત્સવ બનાવવા વી ધ પીપલ અને જલસા ગ્રૂપ દ્વારા “એવા વળાંક પર…!” કાર્યક્રમનું આયોજન 3 મેના જામનગરમાં કરાયુ હતુ. જેમાં આર.જે. આકાશ,હાસ્ય કવિ શૈલેષ લોઢા, સાંઈરામ દવે, અશોક ચારન અને પાર્થ નવીન જેવા સુપ્રસિધ્ધ કલાકારોએ ખીચોખીચ હોલમાં મતદાન અંગેની જાગૃતિ ફેલાવતો સંદેશ આપવા ઉપરાંત લોકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી દ્વારા ઉપસ્થિત સર્વે લોકોને અચુક મતદાન કરીને મતાધિકારનો રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કરવા અપીલ કરી હતી. જેના પ્રતિભાવ સ્વરૂપે ઉપસ્થિત સર્વે લોકોએ મતદાન કરવા ખાત્રી આપી હતી.

કાર્યક્રમમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓએ સવારે 07 થી 10 સુધીમાં 100% મતદાન કરવાની અને પોતે મતદાન કરી અન્ય પાંચ લોકોને મતદાન કરવા જાગૃત્ત કરવાની ખાતરી હતી. પ્રસિધ્ધ હાસ્ય કલાકાર સાંઈરામ દવે એ ‘રામરાજ્ય અને આપણે’ વિષય પર 500 વર્ષના ઈતિહાસ સુંદર શબ્દોમાં કવિ શૈલીમાં વર્ણવ્યો હતો અને આઝાદી લાવવામાં પણ બે ગુજરાતી હતા અને આઝાદી બચાવવામાં બે ગુજરાતી જ છે, એમ જણાવ્યું હતું.

સાંઈરામે તેમની હાસ્યરસની શૈલીમાં “મને બહુ બદલાવવાની ટેવ નથી અને જામનગર પણ પોતાનો પ્રતિનિધિ બદલાવવાની ભૂલ નહીં કરીને નિવડી ચુકેલા નેતાઓને જ સુકાન સોંપશે” તેવી અપીલ કરી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મત તમે તમારા સંતાનો માટે આપો છો, માટે યોગ્ય વ્યક્તિને જ મતદાન કરવા જણાવ્યું હતું.

બીજા ભાગમાં હિન્દી કવિ અશોક ચારને શરૂઆતમાં જ તેમની આગવી શૈલીમાં રાષ્ટ્રના હિત અને વતન પ્રેમની કવિત ઉપરાંત રમૂજી રજૂઆતો વડે ઉપસ્થિત મહેમાનો તથા શ્રોતાઓના હાસ્ય તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમના અંતિમ ભાગમાં ફિલ્મ અને ટીવીના કલાકાર તથા સુપ્રસિધ્ધ હિન્દી હાસ્ય કવિ શૈલેષ લોઢાએ હિન્દીમાં એક પછી એક હાસ્ય અને દેશભક્તિની કવિતાઓ આગવી શૈલીમાં રજૂ કરી હતી. શૈલેષ લોઢાએ થોડા સમય પહેલાં પુલવામા એટેકમાં શહિદ થયેલા જવાનની પત્ની ગર્ભવતી હતી અને તે સમયની એક કવિતા દેશભક્તિ માટે વર્ણવતા સમગ્ર હોલમાં ઉપસ્થિત લોકોએ ઉભા થઈ તાળીઓના ગડગડાટથી આ કવિતાને વધાવી લેતા ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.

કાર્યક્રમ રાષ્ટ્રગીત દ્વારા શરૂ કરાયો હતો. રંગમંચના કલાકાર વિરલ રચ્છ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌપ્રથમ ઉદ્યોગપતિ અશોક પાઉંએ સ્વાગત પ્રવચનમાં અન્ય દેશોની સરખામણીએ ભારત દેશને વર્તમાન સમયમાં પ્રગતિશીલ બનાવવા માટે નિષ્ઠાવાન નેતાઓની સૌથી વધુ જરૂર છે ત્યારે જામનગરના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા અનુરોધ કર્યો હતો.