લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ફોર્મ રદ થતાં સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જેથી અડધા શહેરમાં મંગળવારે ચૂંટણી યોજાશે નહીં. માત્ર નવસારી અને બારડોલી બેઠકમાં સાવિષ્ટ શહેરના 5 વિધાનસભા મતવિસ્તારો ચોર્યાસી, મજૂરા, લિંબાયત, ઉધના અને કામરેજમાં જ ચૂંટણી યોજાશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારી બેઠક માટે તો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા નીલેશ કુંભાણી બારડોલી બેઠક માટે મત આપશે.
જો કે, સુરત બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ભાજપના 10થી વધુ નેતા મત આપી શકશે નહીં, જેમાં નવા સાંસદ મુકેશ દલાલ, હાલના સાંસદ અને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય અરવિંદ રાણા, પૂર્ણેશ મોદી, વિનોદ મોરડિયા, ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર દક્ષેશ માવાણી સહિતનાનો સમાવેશ થાય છે. પહેલીવાર મત નહીં આપી શકનારા નેતાઓનું કહેવું હતું કે, ભલે અમે મત નહીં આપી શકીએ પરંતુ આ વખતની ચૂંટણીમાં સુરતથી ભાજપનું પહેલું કમળ ખીલ્યું તેનો અમને ગર્વ અને આનંદ છે. આ તમામ નેતાઓ ઈતિહાસમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.
મત નહીં આપી શકનારા નેતાઓનું શું કહેવું છે?
અરવિંદ રાણા, ધારાસભ્ય
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં પહેલીવાર મત નહીં આપી શકું એનું દુ:ખ છે. ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં ડિપોઝીટ જવાની હોવા છતાં અમે ઝઝમૂતા હતા.
રાજન પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન
કોંગ્રેસના ઉમેદવારનું જ ફોર્મ રદ થયું એટલે મતદાનનો પ્રશ્ન નથી. ફોર્મ રદ ન થતે તો ભાજપના ઉમેદવાર જંગી લીડથી જીત્યા હોત. પહેલીવાર મતદાન નહીં કરી શકીશ.
મુકેશ પટેલ, મંત્રી
પહેલું કમળ સુરતથી આપીએ તે ઇચ્છા પૂરી થઈ, મતદાનથી વંચિત રહેવા કરતાં ગર્વ એ વાતનો છે કે પહેલું કમળ મોકલ્યું છે.
પૂર્ણેશ મોદી, ધારાસભ્ય
કોંગ્રેસની આંતરિક માથાકૂટમાં ફોર્મ રદ થતાં ભાજપ બિનહરીફ રહ્યો તેનો ગર્વ છે. પહેલીવાર મતદાન નહીં કરી શકીશ.
વિનોદ મોરડીયા, ધારાસભ્ય
‘સુરત બેઠક બિનહરીફ રહી એટલે જીતને માથે ચઢાવીશું. ભૂતકાળમાં એક પણ વાર મતાધિકારથી વંચિત રહ્યો નથી.’

