ભાવનગર લોકસભાની ચૂંટણીનું આવતીકાલે તારીખ 7 ને મંગળવારે થનાર મતદાન માટે રાજકીય પક્ષો અને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે. 40 ડિગ્રી આસપાસ રહેતી ગરમીને કારણે તેની અસર મતદાન પર ન પડે તે માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભાવનગર લોકસભા વિસ્તારના કુલ 1965 મતદાન મથકો પર નોંધાયેલા 19,16,900 મતદારો મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
ખાસ કરીને આવતીકાલે મંગળવારે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થનાર છે પરંતુ 6 વાગ્યા સુધી મતદાન મથકમાં મત આપવાની લાઈનમાં ઉભા રહેલા તમામ મતદારોને મત આપવા દેવામાં આવશે.
ભાવનગર સંસદીય મત વિસ્તારના કુલ 1965 મતદાન પૈકી 1023 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે અને 544 મતદાન મથક લોકેશન પર વેબકાસ્ટિંગ થશે. મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. વિધાનસભા દિઠ 7 એમ કુલ 49 જેટલા મહિલાઓ સંચાલિત સખી મથક, કુલ 7 દિવ્યાંગ મતદાન મથકો અને 1 યુવા મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.
ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, માઈક્રો ઓબ્ઝર્વેર સહિત કુલ 10625 કર્મચારીઓ મતદાન મથક પર ફરજ બજાવશે.
આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં સી-વીજીલ એપ અને કંટ્રોલરૂમ પર 668 ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદનો નિકાલ કરાયો હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ જણાવી ખાસ કરીને મતદાનના દિવસે હીટ વેવ સંદર્ભે મતદાન કેન્દ્રોમાં ઉભી કરાયેલી સુવિધાઓ જેમકે, મંડપ, પાણીના જગ, પેરા મેડિકલ સ્ટાફ, ઓ.આર.એસ. બાબતે જણાવ્યું હતું અને મતદાન કરવા સમયે મતદારે પોતાની ઓળખ માટે રજૂ કરવાના જુદા જુદા 12 આધારો માન્ય રહેશે પરંતુ ડીજીલોકર કે મતદાન સ્લીપ માન્ય રહેશે નહીં.
મહિલાઓને ઘરે કામકાજ હોવાથી મતદાન લાઈનમાં બે મહિલાઓ બાદ એક પુરુષને મતદાન કરવા જવા દેવામાં આવશે. અસક્ષમ, અસશક્ત, દિવ્યાંગ, સીનીયર સીટીઝનો અને પ્રસુતાઓ માટે પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
303 અસક્ષમ મતદારોએ માંગેલી વ્હીલચેરની તેમજ 66 જેટલા મતદારોએ વોલિએન્ટરની સેવા માંગી છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દુકાનો, ઔદ્યોગિક સંસ્થાઓ કે એકમના કર્મચારીઓને સવેતન રજા આપવા સંદર્ભની વિગતો કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવી હતી.
12 વૈકલ્પિક પુરાવાથી મતદાન કરી શકાશે
મતદાન મથક ખાતે પીવાનું શુદ્ધ પાણી, ટોયલેટ, મેડિકલ કીટ, ઓઆરએસ, પંખા તેમજ બેસવા માટે ખુરશીઓ અને તડકા સામે રક્ષણ માટે શેડની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણી કાર્ડ અને અન્ય 12 વૈકલ્પિક પુરાવાથી મતદાન કરી શકાશે જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાનકાર્ડ, મનરેગા કાર્ડ, ફોટાવાળી બેંક પાસબુક, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે પેન્શનના ડોક્યુમેન્ટ, સરકાર જાહેર સાહસો કે પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને ઈસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો અને સંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા ઈસુ કરાયેલા સરકારી ઓળખપત્ર તેમજ જૂની ડીસાબીલીટી આઇડી કાર્ડ શ્રમ યંત્રાલય દ્વારા અપાયેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, એન પી આર જીઆઈ દ્વારા અપાતા સ્માર્ટ કાર્ડનો સમાવેશ થાય છે.
ઓછા મતદાન માટે માઈગ્રેશન થયેલા લોકો નીરસનું તારણ
ભાવનગર જિલ્લામાંથી રોજગારી અને શિક્ષણ માટે સ્થળાંતર કરતાં મતદારો ચૂંટણીમાં મતદાન માટે પરત પોતાના વતનમાં આવવા માટે નીરસ રહે છે જેને કારણે મતદાન ઓછું થતું હોવાનું કારણ તંત્ર દ્વારા કાઢવામાં આવ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીએ જણાવી દેશમાં 67 ટકા મતદાનની સામે ભાવનગર જિલ્લામાં 59% મતદાન થયું હતું.1288 મતદાન મથકમાં ઓછું મતદાન થયું હતું.
જેમાં 60% કરતાં ઓછા મતદાન મથકો 865 હતા. જે માટે મતદાન જાગૃતિ માટે 3,50,000 સંકલ્પ પત્રો કરાવ્યા હતા અને બાળકોને પોતાના માતા પિતાએ મતદાન કર્યું છે કે નહીં તેની તપાસ માટે પણ એસાઈમેન્ટ આપવામાં આવ્યું છે.

