ભાવનગર શહેરના કુંભારવાડા-મોતીતળાવ વિસ્તારમાં પરપ્રાંતિય શ્રમજીવી યુવાનને યશવંતરાય નાટ્યગૃહ પાસે એક અજાણ્યા યુવાને છરી ગળા પર રાખી રૂપિયા 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં ભોગગ્રસ્ત યુવાને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને છેલ્લા 20 વર્ષથી શહેરમાં રહી પીઓપી સિલીંગની મજૂરી કરતો કુલદીપ ગંગારામ ચૌહાણ ઉ.વ.35 રે.મોતીતળાવ કાદરી મસ્જિદ પાસે ગતરાત્રીના સમયે મજૂરી ના મળેલા પૈસા લઈને ખરીદી કરવા ગયો હતો અને યશવંતરાય નાટ્યગૃહ પાસેથી પગપાળા પસાર થઈ રહ્યો હતો, તે વેળાએ બાઈક લઈને આવેલ અંદાજે 18 થી 20 વર્ષની વય ધરાવતા યુવાને કુલદીપને પુછયું હતું કે, તારી થેલીમાં શું છે ત્યારે કુલદીપે કહેલ કે બકાલુ છે,
આથી અજાણ્યા યુવાને કુલદીપના ગળા પર છરી રાખી હું ખાતા નો માણસ છું તારી પાસે ખીસામાં જે હોય તે આપી દે તેમ કહેતા ગભરાયેલ કુલદીપે ખીસામાં રહેલ રોકડા રૂપિયા 50 હજાર યુવાનને આપતા તેણે કહ્યું કે ચાલ તને પોલીસ સ્ટેશને લઈ જવો છે તેમ કહી બળજબરીથી બાઈક પર બેસાડી આંબાવાડી તરફ બાઈક ચલાવી મૂકી હતી.
દરમિયાન કુલદીપ ચાલુ બાઈકે ઉતરી જતા અજાણ્યો બાઈક ચાલક લૂંટ ના રૂપિયા 50 હજાર લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ કુલદીપે તેના સાથી મજૂરને કરતા તે મદદે દોડી આવ્યો હતો અને બંને મિત્રો ઘોઘા રોડ પોલીસ મથકે પહોંચી અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

