Gujarat

પીવાના પાણીની વ્યાપક બુમરાળ વચ્ચે ભાણવડના સમ્પમાંથી પાણીનો વેડફાટ

દેવભૂમિ સહિત ભાણવડમાં પીવાના પાણીની તંગી હોવાની બુમરાળ ઉઠી રહી છે ત્યારે ભાણવડમાં પીવાના પાણીની તંગી વચ્ચે સરકારી તંત્રની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્ય છે.સમ્પમાં પાણી કલાકો સુધી છલકાઇને વેડફાઇ જતા લોકોએ ભારે રોષ સાથે તંત્રની નિતિરીતીની ટીકા કરી છે.

શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે,લોકોને છ-સાત દિવસે સરકારી તંત્ર દ્વારા પીવાનુ પાણી મળી રહયુ છે અને એ પણ માંડ અડધો કલાક વિતરણ થાય છે.

એમાં વળી સંખ્યાબંધ નળજોડાણ ધારકોને બીલકુલ અપુરતા ફોર્સથી પાણી મળતુ હોવાની ફરીયાદો પણ વ્યાપક રીતે થાય છે તેમજ ચોકકસ સમયે પાણી વિતરણ થતુ નથી જેથી લોકોને નળ સામે બેસી રહેવુ પડે છે.

આવી કપરી સ્થિતિ વચ્ચે ભાણવડ શહેરની ભાગોળે નર્મદાના પાણી એકત્ર કરવા માટેનો સમ્પ રહેલો છે,આ સમ્પમાં પાણી ભરાઇને કલાકો સુધી છલકાઇ જવાથી પાણીનો પુષ્કળ બગાડ થયો હતો.અત્રે નોંધનીય છેકે, શહેરની પ્રજા પીવાના પાણી માટે ચાતક નજરે રાહ જોતી હતોય છે અને બીજી બાજુ સમ્પમાં પાણી છલકાયા બાદ કલાકો સુધી વેડફાઇ જવાની ઘટનાથી લોકોમાં પણ રોષની લાગણી ફેલાઇ છે.