Gujarat

BU વિનાની 740 મિલકતો સોગંદનામાંથી ખુલશે પણ આગ લાગે તો પાલિકાની જવાબદારી નહીં

રાજકોટની ઘટના પછી સુરત પાલિકાએ ફાયર NOC અને BU પરમિશન વિનાની 900થી વધુ મિલકતો સીલ કરી દીધી હતી, જેમાં ગેમ ઝોન, સ્કૂલો, હોસ્પિટલો, કાપડ માર્કેટો, દુકાનો, કોમ્પલેક્સ, રેસ્ટોરાં સહિતની મિલકતોનો સમાવેશ થાય છે.

આ સીલિંગની સીધી અસર લોકોના ધંધા-રોજગાર પર પડી હતી અને હજુ પણ સીલ કરવામાં આવેલી મિલકતોના ધંધા-રોજગાર બંધ છે.

જો કે, કાપડ માર્કેટના વેપારીઓના વિરોધ પછી પાલિકાએ સીલ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે. લોકોના હીતમાં કરવામાં આવેલા નિર્ણય પ્રમાણે પહેલાં ફાયર NOC ન હોય તેવી મિલકતદારોના સોગંદનામાના આધારે ખોલી આપવામાં આવી હતી.

મંગળવારે આ જ રીતે BU પરમિશન વિનાની મિલકતો પણ જે તે મિલકતદારોના સોગંદનામાંના આધારે ખોલી આપવામાં આવી છે, પરંતુ નક્કી કરેલા સમયગાળામાં ફાયર NOC અને BU મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. જો કે, આગ જેવી કોઈપણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી સોગંદનામું કરનારા વ્યક્તિની રહેશે. સ્કૂલોએ પણ સ્કૂલવર્ધી વાનમાં જતા બાળકોના વાલીઓ પાસે ડેક્લેરેશન ભરાવ્યાં છે.

શહેરની 957 મિલકતોના 7 હજાર એકમોને સીલ માર્યા બાદ પાલિકાએ ફાયર NOC રિન્યૂઅલ બાકી હોય તેમનાં સીલ ખોલવાનું શરૂ કર્યું હતું. જોકે સૌથી વધુ મિલકતો પાસે બિલ્ડિંગ યૂઝ (BU) સર્ટિ મળ્યાં નથી ત્યારે હવે 60 દિવસમાં BU મેળવી લેવાની શરતે જે તે મિલકતોનાં સીલ ખોલવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે.

આ માટે મિલકતદારે બાંધકામ નિયમબદ્ધ કરાવવાનું સોગંદનામું કરવું પડશે અથવા તો ઇમ્પેક્ટ ફી હેઠળ અનધિકૃત નિર્માણને કાયદેસર કરાવવું પડશે. આ કાર્યવાહીમાં સૌથી વધુ 226 ટેમ્પરરી સ્ટ્રક્ચર BU ન હોવાથી સીલ કરાયાં હતાં. તેવી જ રીતે સ્કૂલ, કોચિંગ ક્લાસ સહિતનાં 218 એકમો, 111 હોસ્પિટલ, 88 રેસ્ટોેરાં, 56 કોમર્શિયલ કોમ્પલેક્સ, 28 સિનેમા અને 13 ગેમ ઝોન પાસે BUની ક્ષતિ મળી હતી.