રાજ્યની સમાંતર ચોથા ભાગની જમીન ધરાવતા દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં ભૌગોલિક વિશેષતાઓ સાથે વિશિષ્ટ પ્રકારની અનેક ખૂબીઓ પણ જોવા મળે છે. આ ખૂબીઓમાં કચ્છમાં આવેલા નાના મોટા રણ અને તેમાં વિચરતા વન્ય પ્રાણીઓ છે.

ખાસ કરીને એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળતા ઘુડખર પ્રાણી તે પૈકી એક છે. ત્યારે આ દુર્લભ પ્રાણીઓના પ્રાણ સલામત રહે તે માટે વન વિભાગ દ્વારા મોટા રણમાં ઉનાળા દરમિયાન ખાસ પાણી ભરેલા કુંડની વ્યવસ્થા ઉભી કરાય છે. આજ પ્રકારના કુંડમાં સાઉડી અને ઘુડખર સહિતના વન્ય જીવો પાણી પીતા ટ્રેપ કેમેરામાં કેદ થયા હતા, જેની વિરલ તસવીરો જાહેર થતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોમાંચની લાગણી પ્રસરી ગઈ હતી.

આ અંગે કચ્છ મદદનીશ વન સંરક્ષક ચેતન રાવલે દિવ્ય ભાસ્કરને વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છના મોટા રણમાં વિચરતા વન્ય જીવો માટે ઉનાળા દરમિયાન પીવાનું પાણી મળી રહે તે માટે દર વર્ષે ખાસ પ્રકારના કુંડ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવતા હોય છે. આ વર્ષે વાગડ તરફના મોટા રણ વિસ્તારમાં કુલ 50 જેટલા કુંડ (હોજ) બનાવ્યા છે. તેમાં ઉત્તર રેન્જમાં 18, દક્ષિણ રેન્જમાં 12 અને બાકી દુર્ગમ વિસ્તારોમાં પણ નાના-મોટા કુંડ બનાવવામાં આવ્યા છે.

આયોજન વ્યવસ્થા વિશે કહ્યું કે, કચ્છ ઝોનના અધિકારી સંદીપ કુમાર અને ડીસીએફ આર એસ મકવાણાના માર્ગદર્શન અને તેઓની સૂચના હેઠળ રણમાં બનેલા કુંડમાં દૈનિક અને જરૂર મુજબ ટેન્કર મારફતે પાણી સતત પહોંચાડવામાં આવતું રહે છે. આ માટે કુંડમાં પાણી ખૂટી ના જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. વર્તમાન સમયમાં અલગ અલગ સ્થળે આ પ્રકારના કુલ 50 જેટલા ખાસ કુંડ અમલમાં છે. જ્યાં સાઉડી, ઘુડખર સહિત અન્ય વન્ય પ્રાણીઓ પોતાની પ્યાસ બુઝાવતા હોય છે. પ્રાણીઓ ઉપર નજર રાખવા કુંડ નજીક ટ્રેક કેમરા લગાવવામાં આવ્યા છે. જ્યાં કોઈ પણ પ્રાણી પાણી પીવા આવે ત્યારે ઓટોમેટિક ફોટો ક્લિક થઈ જાય છે.

