છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં હોલસેલ બજારમાં લીલા શાકભાજીની આવક 5 હજાર ક્વિન્ટલ ઘટી ગઈ છે. જેથી ભાવમાં 20થી 30 ટકાનો વધારો હોલસેલ બજારમાં થયો છે. જ્યારે છૂટક બજારમાં તમામ શાકભાજીનો ભાવ કિલોએ રૂ.100ને પાર થઈ ગયો છે.
રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદથી શાકભાજીની આવકમાં ઘટાડો અને ભાવ પર માઠી અસર જોવા મળી છે. શહેરમાં શાકભાજીમાં માર્કેટમાં ભાવ આસમાને પહોંચી ગયા છે.સામાન્ય રીતે રૂ.30થી 50ના ભાવે મળતા શાકભાજી અત્યારે રૂ. 100થી 250 સુધી પહોંચ્યા છે.
બીજી તરફ જમાલપુર હોલસેલ શાક માર્કેટમાં 5 હજાર કિવન્ટલ શાકભાજી ઓછા આવી રહ્યાં છે. જેની સિધી અસર તેના ભાવ પર જોવા મળી છે. હોલસેલ બજારમાં ભાવ વધારો થતા તેની અસર છૂટક બજારમાં જોવા મળી રહ્યો છે. જેમાં ચોળી, લીંબુ, કોથમીર, કંકોડા અને ફણસી જેવા શાક પ્રતિ કિલો રૂ. 200ને પાર થઇ ગયા છે.
ખેતરોમાં પાણી હોવાથી આવકમાં ઘટાડો
રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરેલા છે તો બીજી તરફ ઊભો પાક પણ પડી ગયો છે. જેના કારણે માર્કેટમાં શાકભાજીની આવકમાં 5 હજાર ક્વિન્ટલ શાકભાજી ઓછું આવ્યું છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે. – સંજય પટેલ, સેક્રેટરી, એપીએમસી