Gujarat

કપડવંજ દીપમાલા એપાર્ટમેન્ટ પાસે ઉભરાતી ગટરથી સ્થાનિકોને હાલાકી

કપડવંજ શહેરના દીપમાલા એપાર્ટમેન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગટર ઉભરાઈ રહી છે. તેનું દૂષિત પાણી રોડ ઉપર ફેલાય છે. પરિણામે સ્થાનિક રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉભરાતી ગટર મામલે અનેકવાર સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરી હોવાછતાં પણ નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં હોસ્પિટલો, રહેણાંક વિસ્તાર તેમજ દુકાનો આવેલી છે.

જેને કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ રહે છે. લોકોને ગટરના દૂષિત પાણીમાં થઈને પસાર થવું પડી રહ્યું છે. હાલ ચોમાસાંનો સમય ચાલી રહ્યો છે અને આ ગટરના દૂષિત પાણીને પરિણામે રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો પણ હાલ ઉભા થયા છે. છતાં પણ કપડવંજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ ગટરમાંથી ઉભરાતું દુષિત પાણી બંધ કરાવવાની તસ્દી પણ લેવામાં આવી રહી નથી.

રોડ ઉપર ગટરના દૂષિત પાણી ફેલાયા છે. આ માર્ગ પરથી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને પણ આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. દૂષિત પાણી રોડ ઉપર ફેલાવાને પરિણામે સ્થાનિકોને અસહ્ય દુર્ગંધનો સામનો પણ વેઠવો પડી રહ્યો છે. વહેલીતકે આ ગટરના દૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.