Gujarat

વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલમાં અભિષેક તથા યજ્ઞ યોજાયો; હજારો ભાક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સ્વામિનારાયણ ગુરૂકુલ વેડ રોડ સુરતમાં આજે અષાઢ સુદ 9 હરિજયંતીના દિવસે હજારો હરિભક્ત મહિલા પુરૂષોએ શ્રીહરિકૃષ્ણ મહારાજનો દૂધથી અભિષેક કર્યો હતો. ભગવાનને અભિષેક કરાયેલ દૂધ એકત્ર કરી 15000 ઉપરાંત ભાવિકોને પ્રસાદિ સ્વરૂપે વિતરણ કરાયું હતું. ચાતુર્માસના પ્રારંભ પૂર્વે હરિજયંતીના દિવસે વહેલી સવારે 5-00 કલાકેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંતસ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તેમજ પ્રભુ સ્વામી વગેરે સંતોએ તથા પાર્ષદોએ યજ્ઞ નારાયણને આહૂતિઓ અર્પી હતી.

પ્રભુસ્વામીના જણાવ્યા અનુસાર 200 વર્ષ પહેલા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરવા ‘બીજ’મંત્ર આપ્યો હતો. આ મંત્ર દ્વારા આજે સંતો કૃષ્ણપ્રસાદ સ્વામી, દિવ્ય સ્વામી, ભક્તિતનય સ્વામી, પુરુષોતમ સ્વામી કૃષ્ણસેવાદાસ સ્વામી, અક્ષરસ્વામી, વિવેક સ્વામી કોઠારી હરિનંદન સ્વામી, ગુણપ્રિય સ્વામી, કૃષ્ણવત્સલ સ્વામી તથા પાર્ષદ શ્રેય ભગત, ધ્રુવ ભગત વગેરીએ હોમ કર્યો હતો. જ્યારે મહિલા વિભાગમાં શ્રી પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિર, નારાયણ મુનિદેવ સોસાયટીના સાંખ્યયોગી મહિલાઓએ આહુતિઓ અર્પી હતી. વરસતા વરસાદની વચ્ચે ભક્તોએ યજ્ઞ નારાયણના દર્શનનો તથા પ્રદક્ષિણાઓ કરવાનો લાભ લીધો હતો.

આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, યજ્ઞના અગ્નિદેવ વાતાવરણને શુદ્ધ કરે છે અને ઇચ્છાઓને પૂર્ણ છે. યજ્ઞકુંડનો અગ્નિ ભગવાન યજ્ઞનારાયણનું મુખ છે. દેવતાઓ મંત્રાધીન છે. પુરોહિતો જ્યારે વિશુદ્ધ ભાવે વેદના મંત્રોથી આવાહન કરે છે, ત્યારે આપણને દેખાય કે ન દેખાય, પરંતુ ભગવાન યજ્ઞનારાયણ, નાના-મોટા સર્વ દેવો સાથે યજ્ઞશાળામાં અવશ્ય પધારે છે અને અગ્નિદેવના માધ્યમથી આપણે આપેલી આહુતિઓને સ્વીકારે છે. પૂર્ણાહુતિ સમયે દાસભાઇ જીયાણી વગેરે યજમાન ભક્તોને દિવ્ય સ્વરૂપદાસજી સ્વામીએ મહંતસ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે પુષ્પહાર પહેરાવી શુભાશીર્વાદ આપવ્યા હતા.