બોગસ આઈડીથી રૂપિયા 4.50 કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી છે. આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છ જેટલા લેપટોપમાં ફીટ કરીને સોફ્ટવેર દીઠ 5 હજાર રૂપિયાની રકમ એમ કુલ 30 હજાર લીધા હતા. એટલું જ નહીં, માસિક 1 હજારની રકમ ભાડા પેટે વસુલ કરતો હતો.
વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો
વિજલેન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડી સોફ્ટવેરની મદદથી આઇઆરસીટીસીની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ 973 બોગસ આઈડી પાંચ લેપટોપ સહિત પાંચ હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા. વિજિલન્સની ટીમને નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા..
સમગ્ર કૌભાંડ આચરવા સોફ્ટવેરની મદદ લીધી
આરોપી રાજેશ મિતલ આજ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયાની કિંમતની ઇ-ટિકિટ બુક કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જે અંગે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
સોફ્ટવેર દીઠ 5000ની રકમ મેળવતો હતો
એકતા ટ્રાવેલ્સના સંચાલક દ્વારા આ જ સોફ્ટવેરની મદદથી ગેરકાયદેસર રીતે ઈ-ટિકિટ બુકિંગ કરાવવામાં આવતું હતું. મૂળ ઝારખંડના અને હાલ સુરત શહેરના ગોડાદરા વિસ્તાર ખાતે રહેતા રાજુ યુવરાજ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. અમરા પોલીસના જણાવ્યા મુજબ આ સોફ્ટવેર રાજુ એ જ રાજેશ મિત્તલને સપ્લાય કર્યું હતું. આ ટિકિટ બુકિંગનું સોફ્ટવેર છે, જે છ જેટલા લેપટોપમાં ફીટ કરીને સોફ્ટવેર દીઠ 5 હજારની રકમ મળી કુલ માસિક 30 હજારની રકમ તે મેળવતો હતો. એટલું જ નહીં, માસિક રૂપિયા 1000ની રકમ ભાડા પેટે રાજુ પંડિત વસૂલ તો હતો. રાજુ સાથે અન્ય કયા લોકો આ સોફ્ટવેર વેચાણમાં સામેલ છે, તે અંગેની તપાસ ઉમરા પોલીસે શરૂ કરી દીધી છે.

