એસજી હાઈવે પર હવે વાહનચાલકોને વાયએમસીએ, પ્રહલાદનગર, કર્ણાવતી જંક્શન પર ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. હાલ હાઈવે પર સાણંદ ફ્લાયઓવરના છેડેથી ઇસ્કોન ફ્લાયઓવરના છેડા સુધી ફ્લાયઓવર બની રહ્યો છે જ્યારે ટૂંક સમયમાં ગોતાથી નિરમા યુનિવર્સિટી સુધી પણ ફ્લાયઓવર બનવાની કામગીરી શરૂ થશે.
આ બંને ફ્લાયઓવર બન્યા પછી સનાથલ સર્કલથી ચિલોડા સુધીનું 44 કિલોમીટરનું અંતર માત્ર 40 મિનિટમાં પૂરું કરી શકાશે. હાલ આ અંતર કાપવામાં 50 મિનિટ લાગે છે, જેથી 10 મિનિટનો સમય બચી જશે.
સાણંદ ફ્લાયઓવરથી ઇસ્કોન સુધીનો એલિવેટેડ કોરિડોર અને ગોતાથી નિરમા યુનિવર્સિટી સુધીનો ફ્લાયઓવર બન્યા બાદ સરખેજ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે. જોકે સાણંદ ફ્લાયઓવર અને ઇસ્કોન વચ્ચેના 4 કિલોમીટર લાંબા કોરિડોર માટે 76 વૃક્ષ કપાશે. હાલ 530 કરોડના ખર્ચ સાણંદ અને ઇસ્કોન વચ્ચે 4 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર બનશે, જે ગોતા કોરિડોર પછીનો બીજા સૌથી લાંબો કોરિડોર હશે.
નેશનલ હાઈવે ઓથિરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીના જણાવ્યા મુજબ, 44 કિલોમીટરના અંતરને કાપવા માટે એવાં જંક્શનો કે જ્યાં ટ્રાફિકની સમસ્યા વધારે હતી તે પણ દૂર થઈ જશે.
અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં વધતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી ભવિષ્યની યોજનાઓ પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ સાણંદ ફ્લાયઓવર અને ઇસ્કોન ફ્લાયઓવરને જોડતા કોરિડોરનું કામ ચાલી રહ્યું છે.
ATM સિસ્ટમ: અકસ્માત થશે તો પોલીસ, હોસ્પિટલને જાણ થઈ જશે સાણંદ ફ્લાયઓવર અને ઇસ્કોન વચ્ચેના એલિવેટેડ કોરિડોર પર બંને બાજુએ ક્રેશ બેરિયર, 14,729 સ્ક્વેર મીટરે રોડ માર્કિંગ હશે. 6983 રોડ સ્ટડ્સ (પીળા રંગના), 200 સાઇન બોર્ડ્સ હશે તથા તે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એટીએમએસ)થી સજ્જ હશે, જેમાં સીસીટીવી કેમેરા, કંટ્રોલ રૂમ હશે, જે ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમથી જોડાયેલા હશે.
એટીએમએસને કારણે કોરિડોર પર કોઈ અકસ્માત થશે તો તેની જાણ પોલીસ અને હોસ્પિટલને તુરંત થઈ જશે. આ સિવાય અવાજ પ્રદૂષણ ઘટાડવા બ્રિજ પર 8 મીમી પહોળાઈનો નોઇસ બેરિયર પણ મુકાશે.
મહત્તમ 100ની સ્પીડે વાહન દોડાવી શકાશે એલિવેટેડ કોરિડોર પર કુલ 610 વીજ થાંભલા હશે અને સીસીટીવી સિસ્ટમથી સજ્જ રહેશે. આનાથી વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ (VOC) અને ટ્રાવેલિંગના સમયમાં ઘટાડો થશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરાશે કે જ્યાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવી શકાશે.