International

પ્રાઈમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારની પીછેહટ, ભારતીય મૂળનાં કમલા હેરિસ બની શકે ઉમેદવાર

જો બાઈડન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે દેશના હિત માટે હું ચૂંટણી રેસમાંથી બહાર થઈ રહ્યો છું. તેમણે એક પત્રમાં આ વાત કહી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના કિંગમેકર બન્યા છે. ઓબામાએ 19 જુલાઈએ બાઇડનને રેસમાંથી ખસી જવા સલાહ આપી હતી. ત્યાર પછીથી જ બાઇડનનું ખસી જવાનું લગભગ નિશ્ચિત મનાતું હતું. પાર્ટીમાં ઓબામાની પકડ મજબૂત સાબિત થઈ છે.

જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને 20 જુલાઈએ બાઇડનને સમર્થન આપ્યું હતું પરંતુ રવિવારે રાતે બાઇડનના ખસી ગયા પછી હવે બિલ-હિલેરીએ કમલાને સમર્થન આપ્યું છે. અમેરિકાના ઈતિહાસમાં એવું પહેલીવાર હશે કે પ્રાઈમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારે પીછેહટ કરી હોય.

24 દિવસમાં અમેરિકાના રાજકારણમાં પલટો

27 જૂને ડિબેટમાં બાડેનની હાર પછી અમેરિકાના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટિક કૅમ્પમાં બાઇડનની ઉમેદવારી સામે લામબંદી શરૂ થઈ છે. તેના પરિણામે રવિવારે રાતે બાઇડેને રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી.