આગ વધુ પ્રસારતા બાજુમાં રહેલી એગ્રો કંપનીને પણ ઝપેટમાં લેતા નુકશાન
ટ્રાફિકજામને કારણે ફાયરટેન્ડરોને વાર લાગતા આગ વિકરાળ બની
અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં આવેલ કેમેક્ષ લિમિટેડ કંપનીમાં બુધવારના રોજ સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી જવા પામતા બધેજ ફેલાવાની દહશતે દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે ત્યારે તા.31-07-2024ના રોજ ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કર્માતુર ચોકડી નજીકની કેમેક્ષ કંપનીમાં આજે સવારે સાડા દશ વાગ્યાના ગાળામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.
બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.જોકે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ આગની ઝપેટમાં લીધી હતી.જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી.
અંકલેશ્વર, પાનોલી ઝગડીયા સહિતની વસાહતોમાંથી લગભગ ૧૪ જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.
નોંધવુ ઘટે કે, અંકલેશ્વર પાનોલી વચ્ચેના નેશનલ હાઇવે ઉપર સતત બીજા દિવસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પરિણામે પાનોલી જીઆઈડીસીના ફાયર બ્રિગેડને અંકલેશ્વર પહોંચતા વ્યાપક વિલંબનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે આગની શરૂઆતમાં અગ્નિશમનની પ્રક્રિયામાં મોડુ થવા પામ્યું હતું.
મીણ બનાવતી કેમેક્ષ કંપનીમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી. જે બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની અન્ય ઉદ્યોગ એકમોના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આગ કેમેક્ષ કંપનીની બાજુમાં આવેલ એગ્રો કેમિકલ યુનિટ સેન્સો એગ્રીટેક પ્રા. લિમિટેડને પણ ઝપેટમાં લઇ લીધી હતી. તેમાં પણ મોટુ આર્થિક નુકશાન પહોંચવા પામ્યું હતું.
આગના બનાવ અંગેની જાણ થતા પ્રાંત અધિકારી, મામલતદાર,પોલીસ અધિકારીઓ, જીપીસીબી સહીત સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વિરલ ગોહિલ, ભરૂચ

