Gujarat

અંબાજીમાં હવે ધજા ચઢાવવા ચાર્જ લેવાશે; ધ્વજાની પૂજા પણ ટ્રસ્ટના જ બ્રાહ્મણ કરશે

દેવેન્દ્ર તારકસ અંબાજી શક્તિપીઠમાં 1 ઓગસ્ટથી ધજા સાથે ધજા ચઢાવા માટે ફરજીયાત નોંધણી અને નજીવો શુલ્ક લેવાનો નિર્ણયથી વધુ એક વિવાદ છેડાયો છે. ભાદરવી પૂનમના મેળા પૂર્વે જ આ નિર્ણય લેવાતા ભક્તોમાં કચવાટ છે.

ભાદરવી પૂનમના મેળામાં ધજા લઇને આવતાં સંઘોને આ વ્યવસ્થા લાગુ નહીં પડે. સાથે હાલ જે ભક્તો ધજા લઇને આવશે તેમને થોડા દિવસો સુધી રૂ.250 ચૂકવી ટ્રસ્ટના ઓફિસમાં નોંધણી કરાવ્યા પછી ધજા ચઢાવવાની પરવાનગી મળશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે 1 ઓગસ્ટથી મંદિરમાં ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસથી ધજાનું વેંચાણ શરૂ કર્યું છે.

5 મીટરની ધજાના રૂ.2100, 7 મીટરના રૂ.2500, 9 મીટરના રૂ.3100 અને 11 મીટરની ધજાના રૂ.5100 નો ભાવ નક્કી કરાયો છે. સાથે ધજાની પૂજા પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણથી જ કરાવી પડશે. પણ વિવાદથી બચવા ટ્રસ્ટે હાલ પુરતી જૂની વ્યવસ્થા ચાલુ રાખી છે.

એટલે કોઇ પરિવાર પોતાના સાથે બ્રાહ્મણ લઇને આવે તો પૂજા કરી શકશે. ઉલ્લેખનિય છે કે, અંબાજીમાં દરરોજ અંદાજે 25 ધજા ચઢાવાય છે. પૂનમ અને તહેવારોના દિવસોમાં આ સંખ્યા વધી જાય છે.