ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ ચાંદીપુરાનાં શંકાસ્પદ દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ઝનાના હોસ્પિટલમાં ચાંદીપુરા શંકાસ્પદ 7 મહિનાની બાળકીનો રિપોર્ટ આવે તે પહેલા મોત નીપજ્યું છે. જેને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
જ્યારે અમરેલીનાં 4 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરાનાં લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી તેને સારવારમાં ખસેડાયો છે.
સિવિલ હોસ્પિટલનાં મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેતલ ક્યાડાનાં જણાવ્યા મુજબ, થોડા દિવસ પૂર્વે પડધરીનાં તરઘડિયા ગામે રહેતી 7 મહિનાની બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, તેનો રિપોર્ટ આવે તે પહેલાં જ ગઈકાલે રાત્રે સારવારમાં રહેલી આ બાળકીનું મોત નિપજ્યું હતું.

