Gujarat

VMC વરસાદી કાંસ સાફ કરવા મુંબઇથી ભાડેથી લાવેલા મશીનનો 54 લાખનો ખર્ચ માથે પડ્યો; સફાઇ ન થતાં શહેર પાણીમાં ડૂબ્યું

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં મુખ્યત્વે ચાર મોટા વરસાદી કાંસ, તળાવો સહિતનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા આ વર્ષે કાંસ સાફ કરવા મુંબઇથી ડ્રેન માસ્ટર મશીન ભાડેથી મંગાવ્યું હતું.

પરંતુ, આ મશીન દ્વારા પણ કાંસોની સફાઇ યોગ્ય રીતે ન થતાં પ્રતિ વર્ષની જેમ વડોદરા વરસાદી પાણીમાં ડૂબ્યું હતું. શહેરીજનોના ટેક્સના રૂપિયા 54 લાથ ભાડાંમાં ચૂકવવાનો વખત આવ્યો છે, તેવો આક્ષેપ કરતો પત્ર કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને લખી વિજિલન્સ તપાસની માંગ કરી છે.

નોંધનીય છે કે, આ મશીનથી કોઇ ફાયદો થયો નથી. કોર્પોરેશન દ્વારા વધુ સમય ભાડે રાખવા તૈયાર થયું હતું, પરંતુ વિરોધ થતાં દાવ ઊંધો પડી ગયો છે. વોર્ડ નં.- 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પત્રમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે.

વડોદરામાં વરસાદી પાણીના નિકાલ માટે વર્ષો જુના રૂપારેલ, મસીયા, ભુખી સહિત ચાર કાંસ છે. આ કાંસ દ્વારા શહેરમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે. પ્રતિવર્ષ આ કાંસોની સફાઇ પાલિકા હસ્તકની મશીનરી દ્વારા કરવામાં આવે છે, છતાં ચોમાસામાં પાણી ભરાતા હતા. આ વર્ષે પાલિકા દ્વારા કાંસો, તળાવો સહિતની સફાઇ કરવા માટે મુંબઇથી જેસીબી એક્સ્વેટર ભાડેથી મંગાવ્યા હતા.

પ્રતિ કલાક રૂપિયા 616ના ભાડેથી રૂપિયા 60 મર્યાદામાં 8 મશીનો મંગાવ્યા હતા. પરંતુ, ભાડેથી મંગાવેલી મશીનરી દ્વારા કાંસોની સફાઇ કરાવવા છતાં, વડોદરા તા. 24 જુલાઇના રોજ પડેલા ભારે વરસાદમાં ડૂબી ગયું હતું.