સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોકદરબારમાં એક દુકાનમાલિકની દુકાનનો કબજો ભાડૂઆત સોંપતો નહોતો, જેથી લોકદરબારમાં દુકાનમાલિકે રડતાં રડતાં પોલીસ કમિશનરને રજૂઆત કરતાં સરથાણા પોલીસે ત્રણ જ દિવસમાં દુકાનનો કબજો અપાવ્યો હતો, આથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

CP આગળ દુકાનમાલિક અચાનક રડવા લાગ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં જોવા મળી હતી. લોકદરબારમાં વાલક પાટિયા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભાયાણી અને તેનો પુત્ર બંને ગયા હતા, જેમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશનર પાસે આવીને એકાએક જ રડવા લાગ્યા હતા. પોલીસ કમિશનરે તેમને પૂછતાં તેમણે પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલાં તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી.
દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુભાઈ ક્યાડા એમાં દુકાન ચલાવતો હતો. જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં ભાડૂઆત દુકાન ખાલી કરતો નહોતો.

દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી નહોતી
ભાડૂઆત દુકાનમાલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો. દુકાનમાલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતાં ત્યારે તે ધમકાવતો હતો. મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ એવું કહેવામાં આવતું હતું. આ સાથે જ તમારે થાય એ કરી લેવાનું અને પોલીસમાં જાવું હોય ત્યાં જવાનું પણ કહેતા હતા. જેથી દુકાનમાલિક ખૂબ જ હેરાનપરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી ન હતી.

