બારડોલીથી નવસારી જતાં સ્ટેટ હાઇવે નંબર 88 પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. નોગામા પારડી ગામની સીમમાં મસમોટા ખાડાને કારણે વાહનો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અનેક વાહન ચાલકો અચાનક આવી જતાં ઊંડા ખાડામાં પડતાં નીચે પટકાતાં ઇજા થઈ હોવાની ઘટના પણ બની છે. આ ખાડાની સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
બારડોલીથી નવસારી જતો સ્ટેટ હાઇવે બે મહત્વના નેશનલ હાઇવેને જોડતો માર્ગ હોવા ઉપરાંત બે જિલ્લામાં મુખ્ય શહેરોને જોડે છે. જેને કારણે આ માર્ગ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડી જતાં વાહનચાલકોની હાલત કફોડી થઈ રહી છે. ખાસ કરીને બારડોલી તાલુકાનાં નોગામા પારડી ગામની સીમમાં પડેલા ઊંડા ખાડા વાહન ચાલકો માટે જોખમી બન્યા છે.
ખાડામાં વરસાદી પાણી ભરાયેલા હોય તે કેટલા ઊંડા છે તે જાણી શકાતું નથી. આથી ઝડપી ગતિએ આવતા વાહન ચાલકો સીધા ખાડામાં પડતાં હોય અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. કેટલાક વાહન ચાલકો ખાડામાં પડતાં ઇજાગ્રસ્ત પણ થયા છે.
આ અંગે માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડામાં કપચી સહિતનું મટિરિયલ્સ પુરવામાં આવે છે પરંતુ તે વરસાદ પડતાં જ નીકળી જતું હોય રસ્તાની હાલત જૈસે થે થઈ જતી હોય છે ત્યારે અહીં પાકા પાયે કામગીરી કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. ગ્રામજનો પેવાર બ્લોક લગાવવાની માગ કરી રહ્યા છે જેથી વાહન ચાલકોને થોડા અંશે રાહત મળી શકે.

