દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.24થી 28 ઓગસ્ટના પાંચ દિવસ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે “ધરોહર લોકમેળો-2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ લોકમેળામાં ઊમટી પડનારા માનવ મહેરામણનું નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પહેલના ભાગરૂપે સંભવત: રાજ્યભરમાં પ્રથમ વખત તાલીમ અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ તકે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટના ધબકાર સમાન લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન અંદાજે 8 લાખથી 10 લાખની મેદની ઊમટી પડતી હોય છે.
આવા સમયે દુર્ઘટના બનતી રોકવા માટે પ્રવેશદ્વારની સંખ્યા વધારવામાં આવી છે. લોકોને એન્ટ્રી, એક્ઝિટ માટે રૂટની જાણ કરવી, કુંભ મેળામાં જે રીતે લોકોનું મેનેજમેન્ટ કરાય છે તે રીતે મેનેજમેન્ટ કરવું, ડ્રોનથી ટ્રાફિક પર નજર રાખવી, અલગ-અલગ હોલ્ડિંગ એરિયા ઊભા કરવા અને એરિયા ભરાય જાય તો સીધી એન્ટ્રી નહીં પરંતુ આડી એન્ટ્રી આપવી તેવી તાલિમ આપવામાં આવી હતી.

