રાજકોટ ડિવિઝનના સૂત્રે આપેલી વિગતો મુજબ, મોરબી આરપીએફમાં સહાયક સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં નરેશકુમાર ચૌહાણ સોમવારે રક્ષાબંધનની સવારે સાડા દસ વાગ્યાના અરસામાં મોરબી રેલવે સ્ટેશન પર ફરજ પર હતા. આ સમયે એક 14 વર્ષનો બાળક ચિંતિત હાલતમાં જોવા મળ્યો હતો.
જેથી તે બાળક પાસે જઇને કુનેહપૂર્વક વાતચીત કરી પોલીસ મથક લઇ આવ્યા હતા. તરુણની પૂછપરછ કરતાં તે બિહારના મુઝફ્ફરપુરનો હોવાનું અને તે 15 દિવસ પહેલાં મોરબીમાં રહેતા મામાના ઘરે રોકાવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે તેને મામા જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારનું નામ આવડતું ન હોય પોલીસે તેને સાથે રાખી તરુણના મામાના ઘર સુધી પહોંચ્યા હતા.
ત્યાર બાદ તરુણ અને તેના મામાને પોલીસ મથક લઇ આવી પૂછપરછ કરતાં વતનથી બહેનનો દીકરો પોતાને ત્યાં રોકાવા આવ્યો હતો. આ સમયે ભાણેજને બીડી પીતા જોઇ ગયો હતો. જેથી તેને ઠપકો આપી બીડી ન પીવા અંગે સમજાવ્યો હતો.
ત્યાર બાદ મામાએ આપેલા ઠપકાથી તરુણને સારું નહિ લાગતા તે ઘરે કોઇને કહ્યાં વગર ઘરેથી નીકળી ગયો હતો અને મોરબી રેલવે સ્ટેશન આવી ગયાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ તરુણને તેના મામાને સોંપ્યો હતો.
આમ રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીની સતર્કતાથી તરુણને તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવતા રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વિનિકુમાર અને સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘે મોરબી આરપીએફની પ્રશંસા કરી છે.

