Gujarat

સુરતમાં સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની 6 દિવસની હડતાળથી ઓપીડીમાં દર્દીઓ ઘટ્યા, દાખલની સંખ્યામાં 50%નો ધટાડો

કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતની બે સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ અને ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા.

6 દિવસની હડતાળ બાદ ગતરોજ (21 ઓગસ્ટ) રાત્રે પોતાની હડતાળ પૂર્ણ કરી તબીબો ફરી કામે લાગ્યા હતા. જેમાં 1000 જેટલા તબીબોની હડતાળ બાદ બંને હોસ્પિટલનું તંત્ર ખોરવાઈ ગયું હતું.

ઓપીડી, વોર્ડ અને ઓપરેશનને લઈને દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. શુક્રવાર એટલે કે, 16મી ઓગસ્ટથી હડતાળ શરૂ થયા બાદ હોસ્પિટલોમાં ઓપીડીમાં ઘટાડો થયો હતો. સાથે જ દર્દીઓને દાખલ પણ ઓછા કરવામાં આવી રહ્યા હતા.

તેમજ રોજના ઓપરેશન પણ ઘટી ગયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં ઓપીડીમાં 11,741 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી માત્ર 847 દર્દીઓ દાખલ થયા હતા, જ્યારે માત્ર 251 ઓપરેશન થયા હતા.