શહેરના હીરા, ટેક્ષટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ રૂ.2,47,81,000ની છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડને કટક સર્કલ જેલ (ઓડીશા) ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો સેલે લાવી ધરપકડ કરી છે.
આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરત શહેર મોટા વેપાર ધંધા, ટેક્ષટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરી જીયાજુર રહેમાન મનીરુલહુદા સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી કંપની માસિક 2 ટકા પ્રોફિટ બેંક ખાતામાં આપશે, તેવી લોભામણી જાહેરાતો કરી હતી.
શરૂઆતમા 2 ટકા નફો ચૂકવી રોકાણ વધી જતા નફો ચૂકવવાનુ બંધ કરી મૂડી પણ પરત નહિ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી નાસી ગયો હતો. જે અંગે સુરત ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

