Gujarat

સુરત-તાપી જિલ્લામાં અનામતના ચૂકાદા બાદ નગરોને બાદ કરતાં સજ્જડ બંધ‎

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો સુરત જિલ્લામાં ભારત બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બારડોલી, કડોદરા, પલસાણા, કામરેજ નગરને છોડીને મહુવા, માંડવી, વાંકલ, ઉંમરપાડા અને આદિવાસી પટ્ટાના ગામોની બજાર સજ્જડ બંધ રહી હતી. બંધને અમુક વિસ્તારોમાં સમર્થન આપી વિરોધ કર્યો હતો. સુપ્રિમ કોર્ટના નિર્યણ બાદ મોડી સાંજે લોકોને સોશ્યલ મીડિયા થકી જાણ કરવામાં આવી હતી.

જેથી બુધવારના રોજ કેટલાક વિસ્તારોમાં વેપારીઓએ સમર્થન આપી સદંતર બંધ રાખી સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધને સમર્થન આપ્યું હતું. આ બંધના સમર્થનમાં આદીવાસી આગેવાનોએ વેપારીઓને બંધ રાખવાની અપિલ કરી હતી.

આદીવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે. એસટી અને એસસી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે. તેમણે કહ્યું કે ખાનગી સંસ્થાઓમાં અનામત ઉપલબ્ધ નથી.

આવી સ્થિતિમાં મોટાભાગના બાળકો શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે પાછળ છે.જેના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોએ સ્વયંભૂ બંધ પાળીને સમર્થન જાહેર કર્યું હતું. એલાનને કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.