શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ માથાનો દુ:ખાવો બની ગઈ છે. મ્યુનિ.એ 105 જંક્શન રિડેવલપ કરવાનું આયોજન હાથ ધર્યું છે.
જો કે પેલેડિયમ જંક્શન પર ભારે ટ્રાફિકજામ થતો હોવાથી પેલેડિયમ મોલનો સર્વિસ રોડ અને મુખ્ય રોડ વચ્ચેનો કટ બંધ કરાશે. જેથી વાહનચાલકોએ ઝાયડસ તેમજ હાઈકોર્ટ તરફ જવા માટે થલતેજથી યુ-ટર્ન મારીને પાછું આવવું પડશે.
આ માટે પેલેડિયમ મોલ પાસેના સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે અને 2 કિલોમીટર વધુ ફરવું પડશે. પેલેડિયમ જંક્શન પરથી રોજના અંદાજે 1.5 લાખ વાહનો પસાર થાય છે. પેલેડિયમ જંક્શન પર મોલના કારણે ભારે ટ્રાફિક સર્જાય છે.
ટ્રાફિક થવાના કારણે લોકોને સિગ્નલ પર વધુ સમય સુધી રોકાવવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિ. દ્વારા પેલેડિયમ જંક્શનનો સરવે કરાવ્યો હતો. જેમાં પેલેડિયમ જંક્શનથી થલતેજ તરફ જતા સર્વિસ રોડ પરના ડિવાઇડરને લંબાવી મુખ્ય રોડ અને સર્વિસ રોડને અલગ કરવા સૂચના અપાઈ છે.
ગોતા તરફથી પેલેડિયમ જંક્શન પહેલાં કટ આપવામાં આવશે. જેથી ગોતા તરફથી સતાધાર તરફ કોઈ વાહનચાલકને જવું હોય તો તે ત્યાંથી જઈ શકે છે.

