Gujarat

લોકમેળો લૂંટ મેળો બને તે માટે રાઈડ્સ અને રેંકડીઓની ગોઠવણના અહેવાલ બાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત શ્રાવણી લોકમેળામાં રાઇડસ અને રેંકડીઓની ગોઠવણ કરી લૂંટ મેળાના કારસાના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે.

ગુરૂવારે મનપાની એસ્ટેટ શાખા દ્રારા શ્રાવણી લોકમેળામાંથી ગેરકાયદે 6 ચકરડી અને 4 રેંકડી કબ્જે કરવામાં આવી હતી. મોટા મશીન રાઈડ્સના એક પ્લોટમાં ગેરકાયદે રીતે ખડકાયેલી એક રાઇડસ ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ રાઇડસ સંચાલકને મનપાએ ફકત નોટીસ આપી સંતોષ માની લીધો છે. જામનગર મહાનગરપાલિકા આયોજિત લોકમેળો દર વર્ષે કૌભાંડ અને ભ્રષ્ટાચારથી ભરેલો રહે છે. આથી લોકમેળો લૂંટમેળો બની રહે છે. નવાઇની વાત તો એ છે કે મહાપાલિકાના કર્મચારીઓની સાંઠગાંઠથી મેળામાં ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવે છે.

આ વર્ષે પ્રદર્શન મેદાનમાં મહાપાલિકા દ્વારા મોટી મશીન રાઈડ્સ માટે 7 પ્લોટ ફાળવ્યા હતા. જેમાં પહેલો અને છેલ્લો પ્લોટ બંને મોટા હોવાથી આ પ્લોટ જેને લાગ્યો હતો તેણે યેનકેન પ્રકારે એકના બદલે બે રાઈડ્સ એક પ્લોટમાં બેસાડી ઉભી કરી નાખી ત્યાં સુધી મહાપાલિકાના હોશિયાર અધિકારીઓ અંધારામાં રહ્યા.

જો કે, આખરે મહાપાલિકાએ બંને પ્લોટ ધારકોને નોટીસ ફટકારી રાઈડ્સ દૂર કરવાની સૂચના આપી સંતોષ માની લીધો હતો. આટલું જ નહીં મેળામાં રેંકડી અને નાની ચકરડી ગેરકાયદે રીતે રાખવામાં આવી હતી.