શહેરના ઉત્તર વિભાગનો ખૂબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. જેમાં સમા-હરણી લીંક રોડ વાહનોથી ધમધમતો રહે છે. અલબત્ત આ રોડ ઉપર ત્રણ સ્કૂલો આવેલી છે. પરંતુ આ રોડ પર એકપણ સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતની દહેશત રહે છે.
આ રોડ ઉપર સ્પીડ બ્રેકરો બનાવવા માટે સામાજિક કાર્યકરની રજૂઆત બાદ ડેપ્યુટી મેયરે પાલિકાની ટ્રાફિક શાખાને 9 માસ પહેલાં ભલામણ કરી હતી, પરંતુ આજદિન સુધી સ્પીડ બ્રેકરો બનાવવામાં આવી નથી.
બાળકોની આવનજાવન
ઉલ્લેખનીય છે કે સમા-હરણી લિંક રોડ પર વિવિધ ચાર જગ્યાએ રોડ રસ્તાના ક્રોસિંગ આવે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ત્રણ સ્કૂલો આવેલી છે. બાળકો અભ્યાસ માટે આવનજાવન કરે છે. આ વિસ્તાર સહિત આજુબાજુના એરિયાનો ખૂબ ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે.
પરિણામે વાહન વ્યવહાર સતત ચાલુ રહેતો હોય છે. કેટલીય મકાનોની નવી સાઈટો પણ બની રહી હોવાથી ભારદારી વાહનોની પણ અવરજવર રહે છે.
વાહનોથી ધમધમતો માર્ગ
સમા તળાવ ચોકડીથી હરણી ગોલ્ડન ચોકડી સુધી ત્રણથી ચાર જેટલા ક્રોસિંગ આવે છે. જેમાં હાલોલ તરફ કેટલીય કંપનીઓની બસો તથા ખાનગી વાહનો આવનજાવન કરે છે. જ્યારે બીજી બાજુ ક્રોસિંગ રોડ પર એકપણ જગ્યાએ સ્પીડ બ્રેકર નહીં હોવાથી ડ્રાઇવરો બેફામ ગતિએ પોતાના વાહનો હંકારે છે. જેથી અકસ્માતો થવાની સતત દહેશત રહે છે.

