Gujarat

વડોદરા ફતેગંજમાં ડોમિનોઝ પિઝાના આઉટલેટ બહાર પાર્ક બાઇકોમાં આગ, પ્રચંડ ધડાકા થતા લોકોમાં ગભરાટ

શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ જાણીતા પીઝાના આઉટલેટ ઉપર પાર્ક કરેલી 26 ઇલેક્ટ્રિક ડિલિવરી બાઈકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિકરાળ આગમાં તમામ 26 બાઈકો ગણતરીની મિનિટોમાં ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પિઝાનું આઉટલેટ આવેલું છે. આઉટલેટની બહાર પાર્ક કરાયેલી 26 ડિલિવરી બાઈકમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી.

આગ લાગતાની સાથેજ E બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં આગની લપેટમાં આવી ગયેલી 26 બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી.