સાયકલ રેલીનું આયોજન, વિના મૂલ્યે આરોગ્ય કેમ્પ અને સફાઈ કર્મીઓને સેફ્ટી કીટનું વિતરણ
“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે દેશ અને રાજ્યના તમામ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ રહે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આ અભિયાન અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં થયેલી ગંદકી અને કચરાને દુર કરી ચોખ્ખા ચણાક કરવામાં આવ્યા હતા. જેમાં ભાયાવદર નગરપાલિકામાં પાણીની નજીક આવેલ સીટીયુ એક મહિનાથી સંવેદનશીલ ડમ્પ બની ગયું હતું. આ જગ્યાને નગરજનો અને સફાઈકર્મીઓના સહિયારા પ્રયાસથી સ્વચ્છ કરવામાં આવી હતી. ઉપરાંત, સ્ટેશન રોડ પાસેના જી.વી.પી ને મેગા સ્વચ્છતા અભિયાન પછી નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

સરકારશ્રી દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા ૭૦ સફાઈ કર્મીઓને અને સેફ્ટી કીટ(હેન્ડ ગ્લોવ્સ, સેફ્ટી જેકેટ્સ અને માસ્ક) વિતરણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ તરફ લોકો જાગૃત બને તે માટે ભાયાવદર નગરપાલિકા દ્વારા નગર પાલિકા સાંસ્કૃતિક ભવન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં ૫૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિસ્તારોમા કચરા પેટીનુ વિતરણ અને ખાદ્ય પદાર્થોની દુકાનોમાં સ્વચ્છતા અંગે જાળવણી રહે તે માટે સ્થળ તપાસ કરવામાં આવી અને દુકાનદારો અને લારીઓના માલિકોને સ્વચ્છતા અંગે જરૂરી માહિતી આપી હતી.
આ ઉપરાંત, ભાયાવદર ખાતેના ગુરુકુળમાં ‘વેસ્ટ ટુ આર્ટ” વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી વિવિધ વસ્તુઓ બનાવી હતી.
સ્વચ્છતા હિ સેવા અભિયાન અન્વયે લોકોમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે “સાયક્લોથોન રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં નગરના આગેવાનો અને વિદ્યાર્થીઓએ ભાયાવદર નગરપાલિકા વિસ્તારના સરદાર વલ્લભભાઈ પટેલ ચોકથી રેલવે સ્ટેશન સુધી યોજી હતી.આ રેલીમાં સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડરે સ્વચ્છતા સંવાદ કરીને “સ્વચ્છતા થી સ્વસ્થતા” અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

