તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ મંગળવારના રોજ સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું હતું અમરેલી જિલ્લા સહકારી સંઘના સીધા જ નેતૃત્વ હેઠળ કોલેજ કક્ષાએ કેમ્પસ સહકારી મંડળી અર્થાત વિદ્યાર્થીઓ માટેની બચત અને ગ્રાહક સહકારી મંડળીની સ્થાપના થઈ હતી. જેમાં સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સહકારી મંડળીની રચના કાણકીયા કોલેજ ખાતે થઈ છે.

જેની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી અને તેમાં સભાસદોની સર્વાનુમતિથી નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની વરણી પણ કરવામાં આવી. સર્વપ્રથમ એજન્ડાનું વાંચન કરવામાં આવ્યું અને ત્યારબાદ એજન્ડા મુજબ તમામ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી અને આગામી કયા પ્રકારની વાણિજ્યક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય કે જેનાથી નવી રોજગારીનું સર્જન થઈ શકે અને મંડળીને થતો આર્થિક લાભ સભાસદોને આપી શકાય, જેવી અનેક બાબતોની ચર્ચાઓ થઈ હતી.
આ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ખાસ પધાર્યા હતા. અમરેલીથી ખાસ પધારેલ અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન તથા સહકારી ક્ષેત્રના અનેક એકમોમાં હોદ્દેદાર તરીકે સેવા આપતા માનનીય મનીષભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના નવનિયુક્ત ડિરેક્ટર શરદભાઈ પંડ્યા, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્રી તથા સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેન તેમજ હોમગાર્ડ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, સાવરકુંડલા શહેર ભાજપ અગ્રણી કાર્યકર ભાવેશભાઈ વિકમા, ઉપરાંત જેની ખાસ નોંધ લેવી પડે એવા ભાર્ગવભાઈ ત્રિવેદી કે જેઓએ કોલેજમાં મંડળીની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીની તમામ બાબતોમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને સતત સંકલન અને માર્ગદર્શન કર્યુ છે.

અને તેમની સાથે રૂપલબેન ડાભીએ સહયોગ આપ્યો હતો.સહકારી સંઘના અગ્રણી એવા મનીષભાઈ સંઘાણીએ સહકારી મંડળી કેટ કેટલા પ્રકલ્પો ચલાવી શકે તે અંગે માર્ગદર્શન કર્યું.
અને તેમના અધ્યક્ષ સ્થાનેથી “યુથ પાર્લામેન્ટ”ની પ્રવૃત્તિ કરાવવામાં આવી.
કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ.સી. રવિયા સાહેબે પણ આ તકે વિદ્યાર્થીઓનું ખાસ માર્ગદર્શન કર્યું અને એવી લાગણી વ્યક્ત કરી હતી કે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં પ્રથમ વખત સહકાર ક્ષેત્રને અગાઉ ન મળ્યું હોય તેવું પ્રાધાન્ય મળ્યું છે. જેના અનુસંધાને તાજેતરમાં જ સહકાર મંત્રાલયની રચના થઈ છે. જેના મંત્રી તરીકે ગૃહમંત્રી અમિતભાઈ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.
તો જે સહકાર ક્ષેત્રે ખૂબ જ ઐતિહાસિક કહી શકાય એવી બાબત છે અને યોગાનુયોગ રાષ્ટ્રમાં પ્રથમ વખત કોલેજ કક્ષાએ શરૂ થતી સહકારની પ્રવૃત્તિ એ દિવસે થઈ રહી છે કે જ્યારે સહકાર મંત્રાલયના મંત્રી અમિતભાઈ શાહનો જન્મદિવસ હતો અને વધુ યોગાનુયોગ એવો પણ હતો કે સાવરકુંડલાના પ્રથમ નાગરિક એવા સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીનો પણ જન્મદિવસ હતો જેના અનુસંધાને આ કાર્યક્રમમાં તમામ મહેમાનો દ્વારા વિશેષ પુષ્પગુચ્છથી તેમને વિશેષ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. એમ.જે. પટોળીયા સાહેબની વિશેષ ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમનુ સંચાલન કોમર્સ વિભાગના અધ્યાપક અને સહકારી મંડળીના કો-ઓર્ડીનેટર ડો. હરેશ દેસરાણી સર દ્વારા કરવામાં આવ્યું.
બિપીન પાંધી

