સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં ગઈકાલે રાત્રે લગભગ બાર વાગ્યા પછી જોરદાર પવન ફૂંકાયો.. લગભગ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતાં પવન વચ્ચે પ્રકૃતિએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ફૂંકાતાં પવન વચ્ચે લોકોને તોકતે વાવાઝોડાની યાદ અપાવતું જોવા મળતું હતું. જો કે તંત્ર દ્વારા અગમચેતીનાં ભાગ રૂપે લોકોને સાવધાન અને સાવચેત તો કર્યાં હતાં. છતાં અમુક બોર્ડ અને હોર્ડિંગ્સ જેવા નાના મોટાં પતરાંનાં છાપરાને આ વાવાઝોડાં જેવાં પવનનાં ઝટકામાં નુકસાન થયું હતું. શહેરના અમુક વિસ્તારોમાં સાવચેતીનાં ભાગરૂપે જ તંત્ર દ્વારા વીજપુરવઠો બે થી ત્રણ કલાક સુધી બંધ કરાયો હતો. જો કે રાતનાં ત્રણેક વાગ્યા સુધી પવનની ગતિ ઝપાટા સ્વરૂપે ૪૦ /૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. જો કે વરસાદ ન હોવાથી ખાલી છાંટાછૂંટી જ થવાથી વધુ નુકસાન ન થયું હતું પરંતુ શિયાળું પાક લેતાં ખેડૂતોનાં ખેતરોમાં આ ભારે પવનને કારણે નુકસાન થયું હોય ખેડૂતો ચિંતાગ્રસ્ત જોવા મળતાં હતા. આજે પણ વાતાવરણ સતત વાદળછાયું છે. અને બરફીલાં પવનને હિસાબે ઠંડીનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને પોતાના કામધંધે જતાં જોવા મળેલ છે. શાળામાં પણ બાળકોની હાજરીમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે સંભવિત પરિસ્થિતિ પર તંત્ર સતત ચાંતી નજર રાખી ખડે પગે તૈયાર છે. સાવરકુંડલા શહેરનાં લોકો સાવચેતી રૂપે પોતાના હોર્ડિંગ્સ કે બોર્ડ પણ ઉતારી લેતા જોવા મળેલ. અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાએ સાવરકુંડલાનાં શહેરીજનોને આવી પરિસ્થિતિમાં થોડી તકેદારી રાખવા જાહેર વિનંતી કરી હતી..આવા વાતાવરણમાં શરદી, સળેખમ, ફલ્યુ અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતા છે.. આ લખાય છે ત્યારે પણ વાતાવરણ સંપૂર્ણ વાદળ છાયું છે, લગભગ બે દિવસથી સૂર્ય પ્રકાશ તો નામનો પણ જોવા મળ્યો નથી. વાતાવરણ પણ આખો દિવસ બરફીલાં પવનને હિસાબે લોકો પણ બિનજરૂરી બહાર નીકળતાં ઓછા જોવા મળે છે..

