Gujarat

નબીરાએ નશાની હાલતમાં ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા, દારૂની બે બોટલ મળી; કાર પલટી ન હોત તો તથ્યવાળી થાત!

ગત મોડીરાત્રે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે પૂર ઝડપે આવતી કાર પલટી ખાઈ ગઇ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને કારમાં સવાર યુવાનો જોડે બોલાચાલી થઇ હતી. કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની વાત સામે આવી છે.

ચારેય આરોપી.

તો બીજી તરફ કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી. આ ઘટનામાં પોલીસે કાર માલિક સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, જો કાર પલટી ન હોત તો ચોક્કસ તથ્ય વાળી થાત!

ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગતરાત્રે કંટ્રોલરૂમ તરફથી વર્ધિ મળી કે ડોમિનોઝ પિત્ઝાની સામે એક કાર પલટી ખાઇ ગઇ છે.

તે બાદ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે સમયે કાર પલટી ખાઇ ગઇ હતી અને કારમાં સવાર યુવકો અને કેટલાક લોકો વચ્ચે ખેંચા-ખેંચી થઇ રહી હતી. બાદમાં કારચાલક સહિતનાને પોલીસ છોડાવીને ગોરવા પોલીસ મથક લઈ ગઈ હતી.