Gujarat

વડોદરાના કલાલી ગામમાં 5 યુવાને મળીને ઢોર માર મારતા યુવકે દમ તોડ્યો, તમામની ધરપકડ

વડોદરા શહેરના કલાલી ગામમાં 5 યુવાને મળીને ઢોર માર મારતા અસ્થિર મગજના યુવકે દમ તોડ્યો હતો. યુવકની હત્યા કરનાર પાંચેય આરોપીની આટલાદરા પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના કલાલી ગામમાં રહેતા 32 વર્ષીય દિપકભાઈ મનુભાઈ રાઠોડે આટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો મોટો ભાઈ મંગળ (ઉં.વ.34)એ ધો.7 સુધી અભ્યાસ કરેલો છે.

મગજની બિમારીના કારણે તે કોઇ કામધંધો કરતો ન હતો અને તે ઘરમાંથી ભાગી જતો હોવાથી અમો તેને દોરડાથી બાંધી રાખતા હતા.

તા.31/10/2024ના રોજ દિવસ દરમિયાન મેં મારા ભાઈ મંગળને ખટલા સાથે દોરડાથી બાંધ્યા હતા. તેને સાંજના આશરે 5.30 વાગે છુટો કર્યો હતો અને તે પાણીનું ડબલુ લઈને નદી તરફ કુદરતી હાજતે ગયો હતો.

મારા મોટા ભાઈ ઘણા સમય સુધી પરત નહીં આવતા મે મંગળભાઈ જે દિશામાં ગયા હતા, તે દિશામાં હું તેની તપાસ કરવા ગયો હતો, પરંતુ તેઓ મળી આવ્યો નહોતો. ત્યારબાદ હું મારા ઘરે આવતો રહ્યો હતો અને રાત્રિના અમે જમવાની તૈયારી કરતા હતા, ત્યારે આશરે 9 વાગે અમારા ફળીયામાં આવેલ ભાથુજી મહારાજના મંદિર તરફ લોકોના ઝગડાનો અવાજ સંભળાતા મેં ઘર બહાર નીકળી તપાસ કરી હતી.

આ સમયે ભાથુજી મંદિરની આગળ અમારા રાઠોડીયા વાસના માણસો ભેગા થયા હતા અને મારા ભાઈ મંગળ સાથે રાત્રિના 9.15 વાગે ઝગડો કરતા હતા.