Gujarat

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, પોલીસે યાત્રિકોને બ્લોક વાઈઝ ટ્રેન સુધી પહોંચાડ્યા

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આજે ફરી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ વ્યવસ્થા કરી રહી છે.

ભારે ભીડના કારણે પોલીસને સામાન પર લાઠી મારવાની ફરજ પડી રહી છે. કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને બ્લોક વાઈઝ ટ્રેન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

સુરત મિની ભારત તરીકે ઓળખાય છે. ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોમાંથી લોકો અહીં રોજગારી મેળવવા માટે આવ્યા હોય છે. તહેવારના સમયે આ તમામ લોકો પોતાના વતન જતા હોય છે, જેને લઈને મોટો ધસારો ટ્રેનમાં જોવા મળતો હોય છે. ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં એક યુવક મોતને ભેટ્યો હતો. ત્યારે છઠ્ઠ પૂજાના તહેવારને લઈને ફરી ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે.

આ વર્ષે સુરત રેલવે સ્ટેશન કરતાં ઉધના રેલવે સ્ટેશન પર વધારે ભીડ થઈ રહી છે. બાર-બાર કલાકથી લોકો ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે. દિવાળી પહેલાં પણ ત્રણ દિવસ ભારે ભીડ રહી હતી, જેને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈનબંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે.