Gujarat

સુરત મનપાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી પ્રથમ આવવા કમર કસી: 4,500 કેમેરા દ્વારા ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરથી નાગરિકો પર લાઇવ વોચ

ફરી એક વખત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માંગતી નથી. લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના દરેક ખૂણા પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ માટે સુરત મહાનગરપાલિકા 4,500 સીસીટીવી કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરે છે.

ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવે છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ આવા લોકોને ઈ-ચલણ પણ મોકલવામાં આવે છે. પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકા શહેરના તમામ ન્યુસેન્સ પોઇન્ટ પર ત્રીજી આંખથી નજર રાખી રહી છે અને 4500 કેમરાથી વોચ રાખી 5 મહિનામાં 245 લોકોને જાહેરમાં થુકવા બદલ ઈ-ચલણ પણ ફટકારવામાં આવ્યા છે. જેમાંથી 67 લોકોએ ઈ-ચલણ ભરી દીધા છે.

જાહેર રોડ પર થૂકનારને ઈ-ચલણ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.

જો આવનાર દિવસોમાં અન્ય લોકો ઈ-ચલણ નહીં ભરે તો તેમને 100ની જગ્યાએ 250 રૂપિયા ચૂકવવા પડશે. જાહેરમાં થૂકનાર લોકો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ શહેરના બ્યુટીફિકેશન પર લાલ પિચકારી મારી ગંદગી ફેલાવે છે. જેના કારણે આવા લોકો પર એક્શન લેવા માટે સુરત મહાનગરપાલિકા ઇમરજ્સી રિસ્પોન્સ સેન્ટરની મદદથી લઈ રહી છે.