મદદ એક એવો શબ્દ છે જે દરેક મનુષ્ય સાથે ક્યારેક કોઈ ના કોઈ રૂપથી જોડાય છે. નાનપણમાં ચાલવા માટે માતા-પિતાના હાથથી લઇને ગઢપણમાં લાકડી અથવા તો કોઈના ખંભાનો સહારો લેવો પડે છે.
ઘણી વાર આપણી મદદ થકી કોઈની જિંદગીમાં ચાર ચાંદ લાગી જાય છે, જે આપણને સુકુન આપે છે. આવુજ કંઈક સુરતની કાપોદ્રા પોલીસે કર્યું છે.
એક તરફ લોકો નવા વર્ષની ઉજવણીમાં એક બીજાને સાલ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા, ત્યારે બીજી તરફ કાપોદ્રા પોલીસ નવા વર્ષમાં નવા વિચારો અને નવી આશા 18 જેટલા દિવ્યાંગો માટે લઇને આવી છે.
તમામ લોકોને ફરવા માટે કાપોદ્રા પોલીસ પ્રાણી સંગ્રહાલય લઈને પહોંચી હતી, જ્યાં પ્રાણીઓ સાથેના દિવ્યાંગોના પ્રેમાળ અને ભાવુક દૃશ્યો સામે આવ્યા હતાં. કાપોદ્રાના પોલીસ ઇન્સ્પેકટર એમ. બી. આસુરાએ જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ દ્વારા નવા વર્ષના દિવસે જ 18 જેટલા દિવ્યાંગને દત્તક લેવામાં આવ્યા છે.
આજથી તેમનો તમામ ખર્ચ કાપોદ્રા પોલીસ દ્વારા ઉઠાવવામાં આવશે, તેવો સંકલ્પ કાપોદ્રા પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. એટલું જ નહિ આ 18 જેટલા દિવ્યાંગોને પોલીસ દ્વારા પ્રાણી સંગ્રાલયમાં લઇ જવામાં આવ્યા હતા.

