ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચોની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારીને સ્કોર 283 રન સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી… અભિષેક શર્માએ સ્ટેડિયમની બહાર બોલ માર્યો, મિલરે 110 મીટરમાં સિક્સર ફટકારી, સંજુની સિક્સ ફેનને વાગી, બિશ્નોઈએ જગલિંગ કરતી વખતે કેચ ઝડપ્યો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જોહાનિસબર્ગમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેઓએ સિરીઝમાં પ્રથમ વખત ટોસ જીત્યો હતો, પરંતુ ટીમે સતત ચોથી ટી20માં જ બેટિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકા અને ભારત બંનેએ તેમના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
મેચની પહેલી જ ઓવરમાં અભિષેક શર્માને જીવતદાન મળ્યું હતું. અહીં ઓવરના ચોથા બોલ પર અભિષેક શર્માએ ફુલ લેન્થ બોલ પર ડ્રાઈવ રમી હતી. બોલ બેટની બહારની ધારને અડીને સ્લિપમાં રહેલા રીઝા હેન્ડ્રિક્સના હાથમાં ગયો. તેણે શૂન્યના સ્કોર પર અભિષેકનો સરળ કેચ છોડ્યો હતો.
આ ઓવરનો છેલ્લો બોલ અભિષેકના હેલ્મેટ પર વાગ્યો. અભિષેક યાનસનના શોર્ટ ઓફ લેન્થ બોલને પુલ કરવા ગયો હતો, પરંતુ બોલ તેના હેલ્મેટ પર વાગ્યો હતો. ફિઝિયો મેદાનમાં આવ્યા અને અભિષેકની તપાસ કરી.
ભારતીય ઇનિંગ્સની પાંચમી ઓવરના પહેલા બોલ પર અભિષેક શર્માએ મેદાનની બહાર બોલને ફટકાર્યો હતો. અહીં અભિષેક આગળ આવ્યો અને એન્ડીલે સિમેલેનના બોલ પર ઇનસાઇડ આઉટ શોટ રમ્યો. બોલ કવર બાઉન્ડ્રી પર સ્ટેડિયમની બહાર ગયો હતો. આ ઓવરમાં અભિષેકે 3 સિક્સ અને 1 ફોરની મદદથી 24 રન બનાવ્યા હતા.

