રાજસ્થાનથી દારૂ ભરીને ખેપ મારતા ખેપિયાઓ દ્વારા અમદાવાદ તરફ દારૂ લઇ જવા માટે નવો રૂટ પસંદ કરવામાં આવ્યો છે. વિજાપુરથી માણસા રોડ ઉપર હવે દારૂ ભરેલી ગાડીઓ કાઢવામાં આવી રહી છે.
ત્યારે એલસીબીની ટીમને દારૂ ભરેલી કારની બાતમી મળતા માણસાના ચડાસણા પાટીયા પાસેથી ઝડપી લીધી હતી. કારમાંથી પોલીસે 900 બોટલ દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે કાર સહિત 10.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમના પીએસઆઇ એન.બી.રાઠોડ તેમની ટીમ સાથે માણસા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પીએસઆઇ રાઠોડને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની નંબર વિનાની ક્રેટા કારમાં વિદેશી દારૂ ભરાયો છે અને કાર વિજાપુર તરફથી વિહાર ચોકડી તરફ જવાની છે.
જેથી પોલીસ ટીમના અંકુશ દિલીપરાવ, જયદીપસિંહ સહેન્દ્રસિંહ, રાકેશસિંહ મુકેશસિંહ સહિતના કર્મીઓ સાથે માણસાના ચડાસણા પાટીયા પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી.
જ્યારે બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે પોલીસને જોઇ કાર ઉભી રાખી દીધી હતી. જેમાં ચાલક ભરત કાલુરામ નિનામા (રહે, ગામ પાટીયા, કાનપુર ફળિયુ, ઉદેપુર) અને મોતીલાલ કાંતિલાલ ગામેતી (રહે, કનબઇ ગાટી ફળિયુ, ઉદેપુર)ને પકડી લીધા હતા.
આરોપીઓની બહાર ઉતારી કારમાં તપાસ કરતા અંદર દારૂ બિયરનો જથ્થો જોવા મળ્યો હતો. જેની ગણતરી કરતા દારૂ બિયરની 935 બોટલ કિંમત 2,62,030 મળી આવી હતી. પોલીસે દારૂ, કાર,મોબાઇલ સહિત કુલ 10,63,030નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર ઠાકોર બાબુજી ફતાજી (રહે, વસઇ)ની શોધખોળ હાથ ધરી હતી.

