Gujarat

સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં  કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો ડોક્ટર લથડીયા ખાતો જોવા મળ્યો

દર્દીના સગાએ વીડિયો બનાવી વાઇરલ કરતાં અનેક સવાલો ઉઠ્યાં
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં અનેક ગોટાળા બહાર આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ થડગામના એક યુવક પોતાના સગાને લઇને સારવાર માટે ગયા હતા. ત્યારે ત્યાં ફરજ પર હાજર કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનિલ જાદવનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું. દર્દીને જે રીપોર્ટ કરાવવાના હતા તે અંગે ડોક્ટર સરખો જવાબ આપી રહ્યો ન હતો. જેને લઇને દર્દીના સગાને શંકા ગઇ હતી કે, આ ડોક્ટર નશાની હાલતમાં છે. તેમ છતાં સગાએ દર્દીની સારવાર કરાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ડોક્ટર જે રીતનું વર્તન કરતો હતો તેને જોઇને અંતે યુવકે નશાની હાલતમાં રહેલા ડોક્ટરનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
દર્દીના સગાએ વાઇરલ કરેલા ડોક્ટરના વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોય તેવું વર્તન કરી રહ્યા છે. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનિલ જાદવનો આ વીડિયો છે. ડોક્ટર નશાની હાલતમાં હોય તેવું દેખાય રહ્યું છે કારણ કે, ડોક્ટરનું વર્તન કંઇક અજુગતું લાગે છે. દર્દીના સગા દવાખાને ગયા ત્યારે તેમને શંકા ગઇ અને તેમણે વીડિયો ઉતારી લીધો હતો.
દર્દીના સગા અલ્પેશ રાઠવાએ જણાવ્યું હતું કે, આજે હું કવાંટ તાલુકાનું સરકારી દવાખાનનું સામૂહિક કેન્દ્રમાં મારા સસરાને લઈને ગયો હતો. એમને અચાનક છાતીમાં અને પેટમાં દુ:ખવાનું ચાલુ થયું હતું એટલે 108 દ્વારા ગયો હતો. ત્યાં ડોકટર ન હતા નર્સ હતા અમે તેમણે રિપોર્ટ ચેક કરાવવાનું છે એવું કહ્યું હતું. ત્યારે તેઓએ રિપોર્ટ જોઈને જ દવા કરીશું પણ ડોક્ટર અત્યારે નથી. હું ડોક્ટરને બોલાવી લઉં. તો ડોક્ટરને ફોન કર્યો પણ ઉપાડ્યો નહિ.  અડધો કલાક બાદ ડોક્ટર આવ્યા ને રિપોર્ટ ચેક કરવાની ના પાડી’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડીવાર પછી મેં નર્સને પૂછ્યું ડોક્ટર આવશે કે નહીં.
ત્યારે નર્સે ફરીથી ફોન કર્યો અને દસ મિનિટ પછી ડોક્ટર આવ્યા. આ દરમિયાન લગભગ અડધો કલાક જેટલો સમય થઈ ગયો હતો. સાહેબ આવ્યા ત્યારે મેં સાહેબને કહ્યું કે, આ રિપોર્ટ ચેક કરી લો. ત્યારે ડોક્ટરે અમને જણાવ્યું હતું કે, આજે રવિવારની રજા છે અટલે રિપોર્ટ ચેક નહિ થાય. અલ્પેશ રાઠવાએ વધુમાં કહ્યું કે, મેં તેમને કહ્યું કે, હું 108માં આવ્યો છું. જો કે, તે પીધેલી હાલતમાં હતા એટલે જેમ તેમ બોલતા હતા. અમને શું બોલે છે એનું ભાન ન હતું. એમને ચાલવામાં પણ તકલીફ પડતી હતી, લથડિયાં ખાતા હતા. આ જોઇ મને થોડો ગુસ્સો આવ્યો, પણ મેં કંટ્રોલ કર્યો. જે બાદ એ ઓફિસમાં જઈને બેસી ગયા. જે બાદ મેં કીધું સાહેબ હવે તમારો વીડિયો ઉતારી લઉં છું. અંતે કંટાળીને તેઓએ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.
ત્યારે આવા મુખ્ય અધિકારી જો આ રીતે નું વર્તન કરે તો બીજા લોકોનું શું કહેવું તેવા અનેક સવાલો થઈ રહ્યા છે, આદિવાસી વિસ્તારની ભોળી પ્રજાને ડોક્ટરો આ રીતે વર્તન કરે તો કઈ રીતે ચાલી શકે તેવા અનેક સવાલો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ આવા ડોક્ટરો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર